જૂના પત્રોનો નાશ કરતાં—
Juna Patrono Nash Karta—
જયન્ત પાઠક
Jayant Pathak

પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુઃખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં,
વીંધીને અંતર અહીં સુધી લાવતા લોકછાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યા!
હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે'
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી, આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!
જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઈ રહેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું... થોડું જ એ તો!



સ્રોત
- પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1978