jalaprlay - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરાલ દળ કાળનાં ગગન ગુંબજે ગાજતાં,

ધરા જીરવી શકે સકળ આભ આવી ઢળ્યા;

અખંડ સુસવાટમાં જીવનદીપ હોલાય જયાં,

પ્રચંડ સહુ સત્વનાં પ્રલય તાંડવો આજ આ.

શમ્યા શશી સૂર્ય ને નજર ઘોર ઘેરે નિશા,

સુતેલ સપનાં સમાં જીવન કૈંક જેમાં શમ્યાં;

ઝડી મુશલધાર ક્યાં? ક્ષણિક ક્ષુદ્ર પોકાર ક્યાં?

મહા પ્રલયકાળમાં જીવનનાવ શોધે દિશા.

કંઈક જડ વૃક્ષને જીવનવેલ વળગી રહી,

હલાહલ ભૂલી કંઈ વિષધરો ના ડંખતા,

કંઈ વિરલ વીરનાં ઝળહળે બલિદાન જો,

છતાં અસહાય શું મનુજ મૃત્યુના મ્હોમહીં?

અહીં પરમ મર્ત્ય જો જીવનને રહ્યાં ઝંખતાં,

પ્રભો! અમર એક તું ઉદધિયે ઉંઘી રહ્યો.

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2