anami ashcharyoman - Sonnet | RekhtaGujarati

અનામી આશ્ચર્યોમાં

anami ashcharyoman

ઉશનસ્ ઉશનસ્
અનામી આશ્ચર્યોમાં
ઉશનસ્

અમારી યાત્રા પ્રવિશતિ હવે નામ વિણનાં

નર્યાં આશ્ચર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં;

ગયાં છેલ્લાં છેલ્લાં તરુ, વસતિનાં ખેતર ગયાં,

વિધાતાનાં વાવ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં!

અજાણ્યા પ્હાડોનાં અચરતભર્યા શૃંગ ઊઘડે,

અજાણ્યાં ઝાડોમાં નજર ઉડતી નામ ચૂગતી;

જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે,

દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ નથી

અમારી લોકોની-વનથી નિરવાસ્યાં જનતણી.

અનામી વ્હે જાતાં ઝરણ, રણકે કંકર-કણી,

અજાણ્યાં પર્ણોની ખરતી ખખડંતી ડુગડુગી,

અહીં છોડી દૈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી!

અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને

મારું યાદા'વે અવ નગરનું નામ મને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000