chabarkhi...! - Sonnet | RekhtaGujarati

(શિખરિણી)

જૂનાં પત્રો, વ્હાલા સહુજન તણા સૌ નજરથી

જુદા પાડી, ફાડી અગન ઢગલે કોઈ દ્વિજ શો

હવિષ્યોનો જાણે હવન મહીં કંઈ હોમ ધરતો.

ત્યહીં ઓચિંતાની હૃદયગમ થોડી ચબરખી

અરે! ક્યાંથી હાથે જરજરિત લાગી મમ ભલા!

મથ્યો હું, ને લાગી ગડ ચબરખીની ઉકલવા -

અને સાથે ગાળ્યો ગત સમય જે આપણ સખે!

ભલે ચિઠ્ઠી ના, કાગળ ન, ખત - તો ચબરખી

પરંતુ તોયે શી પ્રિય હૃદય જેવું ધડકતી.

‘અવાશે તો આવી....વચન’ પણ ઊધી ગઈ ખણી;

વળી બીજી માંહે ‘મળ શિવ તણા મંદિર મહીં.’

ડૂમો બાઝ્યો ‘તારા વગર ક્ષણ એક્કેક વસમી.’

ખજાના જેવી સહજ મળી આવી ચબરખી!

જડી આવી જાણે જિવનક્ષણ મારી અબરખી!

સ્રોત

  • પુસ્તક : અખંડ આનંદ : મે 2005 (પૃષ્ઠ ક્રમાંક 12)
  • પ્રકાશક : ભિક્ષૂ અખંડાનંદ ટ્રસ્ટ