tirthottam - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તીર્થોત્તમ

tirthottam

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
તીર્થોત્તમ
બાલમુકુન્દ દવે

ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની

પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ

ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં,

વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ! પુનિત એક્કે તીરથ, જ્યાં

શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની!

અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,

વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની!

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે

વળ્યાં'તાં વાતોએ, નયન નમણાં ને સખીતણાં

ઢળ્યાં'તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-

ઝૂકી, ઢાંકી જેને અધપરધા પાલવ થકી

ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતઝરા!

મને ચક્ષુમાં પ્રભુ! જગતતીર્થોત્તમ મળ્યું.

(૯-૯-પ૪)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000