thasso - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(મંદાક્રાન્તા)

ચૂલામાં તેં વખતસર ઑબાળ પૂર્યો, અડાયાં

ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં.

ચોમાસાની અસર પણ દેખાય છે હવામાં

થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં.

ઘેરી લેતી ઘર સકળને, સાંજને ધૂમ્રસેર–

ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હું: અશ્રુભેર

મુંઝાતી તું, વધુ વધુ તને ભીડવે, ચાડ રાખે

જોતી બેઠી–અવર કશું ના સૂઝતાં–તપ્ત આંખે.

થાકી તોયે અધરદ્વયથી આગ સંધ્રૂકતી તું

લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું?

રેલો ચાલ્યો કુમકુમતણો, કાનના દૂલ ડોલે

શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે!

બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું

ઠસ્સો તારો લથબથ: ભલે દૂર ઠેલાય વાળુ.

સ્રોત

  • પુસ્તક : છુટ્ટી મૂકી વીજ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : જનપદ પ્રકાશન
  • વર્ષ : 1998