sohag raat ane pachhi - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સોહાગ રાત અને પછી

sohag raat ane pachhi

ઉશનસ્ ઉશનસ્
સોહાગ રાત અને પછી
ઉશનસ્

તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી

પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,

અને હું તો સ્વપ્ને સ્થગિત, અધઘેને હું પછીયે

તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે....

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને

પ્રવેશ્યા પાતાળોમહીં સકલ અસ્તિત્વ મુજના:

ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,

હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

હવે વ્હાલા, હું તો નવરી નથી ને ક્ષણ પણ:

દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊન-ઝબલું

અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,

ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઇ સપનું,

અને સાથે વ્હાલા! ભીતર ગૂંથું છું બાળક તમ

તમારી રેખાઓ લઈ લઈ, કંઈ ભેળવી મમ.

(૬-૯-'૭૦)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000