namun - Sonnet | RekhtaGujarati

નમું તને, પથ્થરને? નહિ નહિ

શ્રદ્ધાતણા આસનને નમું નમું :

જ્યાં માનવીનાં શિશુ અંતરોની

શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી,

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની

આંખો જહીં પ્રેમળતા ઝરીઝરી.

તું માનવીના મનમાં વસ્યો અને

તને માનવ માનવે કર્યો;

મનુષ્યની માવનતાની જીત

થયેલ ભાળી અહીં તેહને નમું.

તું કાષ્ઠમાં, પથ્થર વૃક્ષ સર્વમાં,

શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં બધે તું.

તને નમું, પથ્થરને હું નમું,

શ્રદ્ધાતણું આસન જ્યાં નમું તહીં.

(અંક ૧૨૪)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 51)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991