krodh - Sonnet | RekhtaGujarati

નથી થઇ ભૂલ, મોત ખખડાવતું બારણું,

તરાડ તડ તાકતું તડકતું તકાજો કરે,

કહે: દિવસ જ, ઘડી દોડી ઘોડે ચડી

જવું, ખતવણી થતી બધી પાપ ને પુણ્યની,

હિસાબ હરિ માગતાં: જીવન આખું શું શું કર્યું?

જમા કદી, ઉધાર, હાર જીતના હવાલા પડે,

ગણે સિલક ચિત્રગુપ્ત ઇહલોકના ચોપડે.

જવું જરૂર કિન્તુ આમ નહિ, ન્યાય ક્યાંનો કહો?

જીવે જન અનેક અર્થહીન, હીન કર્મો કરે,

અને દિવસ રાત હું સતત વ્યસ્ત વિસ્તારમાં

પૂરી ફરજ સૌ કરું, ધરમ ધ્યાન ઝાઝાં કરું,

અવેજ મહીં તેડું મરણનું? નહીં આવું, જા,

કનિષ્ઠ તું કસાઈ, ક્રૂર જમડા, તું જલ્લાદ, જા,

દઉં ધમકી ધાક: જો ખબરદાર આવ્યો તો!

('મોત ખખડાવતું બારણું' સોનેટમાળામાંથી)

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015