jalaprlay - Sonnet | RekhtaGujarati

કરાલ દળ કાળનાં ગગન ગુંબજે ગાજતાં,

ધરા ન જીરવી શકે સકળ આભ આવી ઢળ્યા;

અખંડ સુસવાટમાં જીવનદીપ હોલાય જયાં,

પ્રચંડ સહુ સત્વનાં પ્રલય તાંડવો આજ આ.

શમ્યા છ શશી સૂર્ય ને નજર ઘોર ઘેરે નિશા,

સુતેલ સપનાં સમાં જીવન કૈંક જેમાં શમ્યાં;

ઝડી મુશલધાર ક્યાં? ક્ષણિક ક્ષુદ્ર પોકાર ક્યાં?

મહા પ્રલયકાળમાં જીવનનાવ શોધે દિશા.

કંઈક જડ વૃક્ષને જીવનવેલ વળગી રહી,

હલાહલ ભૂલી કંઈ વિષધરો ય ના ડંખતા,

કંઈ વિરલ વીરનાં ઝળહળે બલિદાન જો,

છતાં ય અસહાય શું મનુજ મૃત્યુના મ્હોમહીં?

અહીં પરમ મર્ત્ય જો જીવનને રહ્યાં ઝંખતાં,

પ્રભો! અમર એક તું ઉદધિયે જ ઉંઘી રહ્યો.

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2