simaDe - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભૂરા ભૂરા ઉદધિ સમ ઝાકળે નાહી ભોર

ઊઠે, ગાડાં ગલી ગજવતાં ઉપડે ઝૂલ-ઓઢ્યાં

સીમામાંથી નજરની સરે ક્યાંય નાની તરી શાં

સીમે, મોઢાં બીડીની સટ લૈ જાય બૂકાની-બાંધ્યાં!

છાંયા છોડી દઇ તડકીને આશરે જૈ બુઢાપો

નાખે ધામા, ઘઉં તલ ચણા સૂંઘી ઝૂલી કપાસે

તેડાં આવ્યાં અતિ સૂસવતા વાયરાનાં નિહાળી

પાંદે યાચી અવ અલવિદા ડાળખીની ધ્રૂજીને!

આવ્યા એવા તરત સરકી જાય ઝાંખા બપોર!

ઊભી વાટે બધી ખટમીઠી બોરડી ચાખી છોરાં

ચાલ્યાં, વ્હેલાં ખગ પણ નીડે, ધોરી ઉતાવળા થૈ

પાછા! વાંસે ચૂપ થઈ ઊભો ચાડિયો સાવ થીજી!

સીમાડે તો ભડ ભડ બળે રાત સૌ તાપણામાં!

વ્હેલું આવે નહિ ભળકડું આભનાં આંગણામાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000