adhurun - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?

અધૂરી પાંખો ગગનમહીં મ્હારે વિહરવાં;

ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના -

સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?

અમીના કૈં પ્યાલા અધર અડકીને ઢળી જતા,

તરંગોના રંગો ઉડી ઉડી ઉષા શા ગળી જતા;

મરૂભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં-

અધૂરાં એવાં કૈં જીવન શમણાં જેમ શમતાં.

પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?

પ્રભો! તેં પાયા શું તુજ પરમ પીયૂષ અમને?

અમી ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી-

હવે કાં ઝંખાવે? - અમૃતતણી તૃપ્તિ નહિ થતી.

પ્રભો! ના જો નિભાવે તો લગની લગાડતો;

લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં જગાડતો.

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2