khili chhe swachchh ratri - Sonnet | RekhtaGujarati

ખીલી છે સ્વચ્છ રાત્રિ

khili chhe swachchh ratri

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ
ખીલી છે સ્વચ્છ રાત્રિ
પ્રજારામ રાવળ

ખીલી છે સ્વચ્છ રાત્રિ શિશિર ઋતુ તણી કૃષ્ણપક્ષા, સુચીત

સૂતું સૌ શ્હેર નીચે, સજગ ઝગમગે મસ્તકે આભ આખું.

પૃથ્વીપે ગાઢ રાત્રિ, દિવસ નભ વિશે ફુલ્લ સોળે કળાએ,

બે વચ્ચે અગાસી પર મુદિત ઊભો હું ભુવર્લોક જેવો!

ન્યાળું હું મુગ્ધ મુગ્ધ દ્યુતિ ગગન તણી, નૈકશઃ ખણ્ડરૂપા,

સૌન્દર્યે રૂપ ધાર્યા અગણિત નવલા શા સુહે તારલાઓ.

એકાકી વૃન્દમાં વા ઉડુગણ, ગ્રહ, નક્ષત્ર, સ્વર્ગંગ શુભ્ર,

મારે શીર્ષે તરે હો, દ્યુતિમય અમલા દિવ્ય સૌન્દર્યલોક!

પૃથ્વીના મસ્તકે પ્રતિનિશ વહતી સૃષ્ટિઓ તેજ કેરી

મૂકે પૃથ્વીશિરે કો નિત ઝગમગતો તેજ કેરો કિરીટ!

એકાન્તે શાન્ત જાણે લલિત અભિસરે નાયિકા-શી ધરિત્રી!

ચાલી જાતી અનાદિ પથ સમય તણો કાપતી, મુગ્ધરૂપા!

તીરે તે કોણ બેઠો પ્રિયતમ ધરીને પ્રીતિનું પૂર્ણ પાત્ર?

પૃથ્વીના અંતરે કૈં પલ પલ ઊઘડે સ્નિગ્ધ સૌન્દર્યભાત.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 333)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007