phransanun patan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફ્રાન્સનું પતન

phransanun patan

રામપ્રસાદ શુક્લ રામપ્રસાદ શુક્લ
ફ્રાન્સનું પતન
રામપ્રસાદ શુક્લ

(પૃથ્વી)

વસન્તઋતુની વિરાજિત વસુંધરાસંપુટે

અધૂકડી, સરાગ સંજીવનછાંટ, તેવે ધસ્યાં

હડૂડહટ દામિનીચપલ નાત્સીધાડાં, ઢળ્યાં

પ્રવાતઘનવિદ્યુતાર્ત તરુ પેર હોલેન્ડ ને

સદૈવ રણભૂમિ ઉષ્ટ્રસમ બાપડું બેલ્જયમ;

થયું ભસમ સાત્ એક દિનમાં રોટરડમ.

ભળી દગલબાજ પંચમ કતાર, તાબે થયા

પ્રરક્ષક વિમૂઢ બેલ્જયમતણા, ધપ્યાં પાન્ઝરો

વિભીષણ જુવાળ શાં, ત્વરિત ફ્રાન્સ ઘૂમી વળ્યાં;

નડ્યાં નડતરો નહિ, નદજલે ટૅન્કો કુદ્યાં,

વિનાશકર સાણસાપકડ મધ્ય પૅરિસ પડ્યું;

પડ્યું વિપુલ આદ્ય કેન્દ્ર પૃથિવી તણી ક્રાન્તિનું

સમત્વ અહ! બંધુતા અવશ, સ્વપ્ન સ્વાતંત્ર્યનાં,

તમિસ મહીં ઘોર તારક જ્વલંત આદર્શના.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004