arbi ran - Sonnet | RekhtaGujarati

ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા;

કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયાં!

દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે;

કશેય નવ ઝાંખરું-તણખલું લીલું લસે!

વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા,

પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો;

અને અહીં હજાર ગાઉ તક ઝાળતો ઝર્યો;

ક્યહીં રચત રેતીના ઢગ, ક્યહીં સૂકા ડુંગરા!

બધે નજર વિસ્તરે! અતૂટ ચક્રવાલો ચહુ;

નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું!

વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી

સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી!

ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’-કલ્પનાનો થતો!

-'કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!'

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000