atript tusha - Sonnet | RekhtaGujarati

અતૃપ્ત તુષા

atript tusha

નલિન ભટ્ટ નલિન ભટ્ટ
અતૃપ્ત તુષા
નલિન ભટ્ટ

અપેક્ષા ના રાખું ગગન અડતા ઘુમ્મટ તણી,

ઇચ્છા હું સેવું કુસુમશણગારી કબરની;

રચ્યાં રાજી જોવા કરુણ કવનો હું નવ પછી

અહીં ના તોષી જો મધુર અભિલાષા પ્રણયની.

ગયા કેડે આખું ગગન નવ શુ ઘુમ્મટ થશે?

મને સુષ્ટિ કેરાં કુસુમ સઘળાં શું સજશે?

ગયા કેડે કાવ્યો જલધિ કરુણાં શું કવશે?

અધૂરી આશાને તદપિ ઉરની કોણ પૂરશે?

ઠારે હૈયાંને ધનવિપુલતા વૈશ્રવણની

સત્તા એકાકી દ્યુપતિસમ ચૌદે ભુવનની.

પ્રશસ્તિની ગાથા યદપિ રચશે બ્રહ્મતનયા

મટાડી કો’દી ના તદપિ મટશે અન્તરતૃષા.

***

ગયા કેડે આશા હૃદય ધરવી કાં પ્રણયની

ભાળી પ્રત્યક્ષે ઉભય ઉરની જો પૂરવણી?

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2