યાત્રા-સાફલ્ય
yatra-safalya
મુકુન્દરાય પારાશર્ય
Mukundray Parasharya
નિઃસંતાન અમે ઘણાં વ્રત કર્યાં, અંતે અવસ્થા થયે
યાત્રાર્થે ચહુ ધામની નીકળતાં, તાળાં દઈ ડેલીએ,
દોડ્યો બાળ પડોશીનો અમ સહે જાવા, રડ્યો, થાબડી
હેવાયા શિશુને પટાવી દઈ કૈં, ચાલ્યાં પરાયો ગણી.
‘બંધાવ્યું નહિ પારણું’ કહી અમે રોયાં જગન્નાથમાં.
ગંગાને તટ શેષ જીવન ચહ્યું નાહી હરદ્વારમાં.
માયા શી ઘરની? બધું જ સરખું : છેલ્લી વ્યવસ્થા ચહી
પાછાં ઘેર વળ્યાં, થસે ઘર દશા શી, કલ્પના એ લઈ.
ગ્રીષ્મે એ બળતે બપોર સઘળું આગે હતું હાંફતું.
સૂનાં પાદર, સીમ, ગામ, પશુયે શેરી વિષે ના હતું.
જ્યાં આવ્યાં ઘર પાસ ત્યાં જ નીરખ્યો તાળાં દીધાં દ્વારને
ધક્કા દૈ હીબકાં ભરી કકળતો : ‘મા, મા, ઉઘાડો મને’
લીધો ઊંચકી, બારને ખુલવતો ગોપાલ ઘેલો હસ્યો,
યાત્રાન્તે વહતો કરી અમ ગૃહે ગંગૌધ વાત્સલ્યનો.
સ્રોત
- પુસ્તક : મનડામાં મોતી બંધાણું (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : ડૉ. જયન્ત પાઠક, પ્રા. સનતકુમાર મહેતા
- પ્રકાશક : જ્યોતિ મુ. પારાશર્ય
- વર્ષ : 2005