nijkunj - Raas | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી નાની નવલ નિજકુંજ, તટે નદી નેહની;

ધીમી ફોરે આંસુની ધાર સુધા ભર્યા ક્ષેમની.

કુંજ વેરે નિમંત્રણપુષ્પ સૌ સૃષ્ટિસમાજને,

નેહનિધિ નાનેરી કુંજ સમાવશે સર્વને.

ક્યારા સત્યના શાશ્વત સજ્જ પ્રીતિજલ પૂરતાં,

ઉગે આસોપાલવના ફાલ ભેદી દુર્ગ દિશના.

વરી કલ્પલતા આશાવૃક્ષ, ખીલી દિવ્ય બેલડી;

મોંઘા પારસમણિના સ્પર્શ, છાઈ છાયા હેમની.

તાતમાતે પૂરી પ્રાણજ્યોત, સામગ્રી સમાધિની,

જાગી દુર્લભ ને રળિયાત પ્રસાદી શી મોક્ષની!

મધુરી ભગિની કેરા ટહુકાર ઝીલે મારી ઝુંપડી,

તરતા તારો તણા રણકાર, ખીલે હેતપાંખડી.

સખી નાની નિપુણ શુચિ રાસ નૂપુરને નચાવતી;

ભાઈ! બ્હેનાં! પધારજો કુંજ પીવા પ્યાલી પ્રેમની.

સ્રોત

  • પુસ્તક : નિજકુંજ (પૃષ્ઠ ક્રમાંક 03)
  • સર્જક : મૂલજી દુર્લભજી વેદ
  • વર્ષ : 1965