રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબેડો બાઈ બુડતો તારો રે અંબે આઈ પાર ઊતારો. એ દેશી.
પીઠા માંહી પોકાર પડિયારે, ફંદે લુટાયા ફડિયા. ટેક.
સંવત ઓગણીસો ઓગણીમાં, વદ છઠ જેઠ રવિવાર;
બપોર પેહેલાં કૌતુક બનિયું, રાજ નગર મોઝાર – પીઠાo ૧
લોકોના થોકો લુટવા ચઢિયા, ફડિયાને પડિયા માર;
નાઠા તે તો નવે અવતારે આવ્યા, બનિયા બિજા બેમાર – પીઠાo ૨
તાળાં ત્રોડીને હાટો ઉઘાડી, કાઢી ઉડાવ્યા માલ;
ધાન ગયું થઈ ધૂળ દુકાનમાં, છોડ્યો ન ત્યાં લગિ છાલ – પીઠાo ૩
હાકો મારી મારી ખોળતા હીંડે, ક્યાં ગયો હરગોવન;
સારૂં થયું જે શોધ્યો જડ્યો નહિં, ભરાયો જઈને ભોવન – પીઠાo ૪
ગોળનાં માટલાં લુટીને નાખ્યાં, કાટલાં કુવાની માંય;
પાધરે ચોપડા ચીરી પછાડ્યા, જનનો જથો મળ્યો જ્યાંય – પીઠાo ૫
પીઠામાં મીઠાની સાથે લુંટાતાં, દીઠી ડાંગેર દાળ;
કોદરા નેં વળિ મધનાં કુલાં, ફડિયાને જોઈ પડી ફાળ – પીઠાo ૬
કટકા ચોપડા ચીઠીઓ કેરા, પવને ફરે ચોપાસ;
જાણે પાળેલાં ફડિયાનાં ફૂદાં, ચઢિયાં ઉડી આકાશ – પીઠાo ૭
કલમો કેરા કટકા ન જડિયા, ખડિયા ગયા ખોવાઈ;
કંઈકે ધરા પર ગગડીને ઢળિયા, લીરાંયે શાહાઈ લોવાઈ – પીઠાo ૮
મધ લુટિ લુટિ ફડિયાના મનનો, મરદી નાખિયો મદ;
કોદરા લુટીને કાળ જણાવિયો, એ દિવસે દુઃખપ્રદ – પીઠાo ૯
ખેતર માંઈ વાવેતર ખાવા, તલપે તેતર તીડ;
એમજ લોકો લુટવા લાગ્યા, ભારે થઈ રહી ભીડ – પીઠાo ૧૦
જામે અચાનક આવો પોહોચી, મારૂ દેશની માઊ;
હાકી હોકારા હાઊહાઉ કરતી, ઊચરતી ખાઉખાઉ – પીઠાo ૧૧
ગોળ નેં ઘી તે ખોળની તુલ્યે, ખાધાં ખવાયાં જેમ;
માલધણી માલ મુકીને નાઠા, લેનાર લે નહિ કેમ – પીઠાo ૧૨
બુંબારવ શુણી કંઈક બિચારા, કંપી ઊઠ્યા તતકાળ;
ત્રાજુવાં મુકીને તોળતા નાઠા, ગણવા રહ્યા નહિં ગાળ – પીઠાo ૧૩
કંઈકની કાય ફુટાય ઘવાય ત્યાં, જનયિ ન નજરે જોવાય;
ધડા ધડી ધમ ધોકા પડે, જેમ, ધોકણે વસ્ત્ર ધોવાય – પીઠાo ૧૪
કંઈક ખશી હસે, કંઈક ધશી પડે, આવી ચઢે હરફોટ;
કંઈક દેતા દોટ, કંઈક ગ્રહે કોટ, કંઈક હવા લોટપોટ – પીઠાo ૧૫
ફડિયાનાં દોડતાં લુગડાં ફાટે, ધાગામાં ધૂળ ભરાય;
પડતા ઠોકરથી ઊઠતા પાછા, જીવ લઈ નાઠા જાય – પીઠાo ૧૬
શાહાપુરમાં પણ થઈતી સમે તે, લુટવાની શરૂઆતl;
થોડું ઘણું તે સ્થાનમાં લુટ્યું, એવી ઊડી હતી વાત – પીઠાo ૧૭
લુટણિયા લોકના થોક કેરો, કોક કહે નથિ વાંક;
કાળ સગાળનો ફડિયાયે કીધો, વાળિયો આડો આંક – પીઠાo ૧૮
સરકારની કેટલીએક એમાં, કેહે છે લોક કસૂર;
વાર ઘણીસુધી વ્હારે ન ચઢિયા, હુલ્લડ હાકવા દૂર – પીઠાo ૧૯
પછી પધાર્યા પોલીસ પાળા, આવી ચઢ્યા અસવાર;
એક દમે બધા આંતરી આંતરી, ઝાલિયા લુટી જનાર – પીઠાo ૨૦
સ્વાર પાલાઓએ શોઘીને સાઘા, આદમિ લુટતા અનાજ;
ચડપ ચડપ જેમ ચકલાંને પકડે, બળિયા ધશી ધશી બાજ – પીઠાo ૨૧
વાઘના વૃંદે જેવો વીંટેલો, દીસે અજા – સમુદાય,
તેમજ જે જે ઝલાયા તે તે, દૃષ્ટી થકી દેખાય – પીઠાo ૨૨
માથે મુકી કંઈક માટલાં લાવ્યા, ગોળતણાં નિજઘેર;
પાસેના માત્ર ગયા પકડાઈ, શોધિ શકાયું ન શેહેર – પીઠાo ૨૩
જોરાળા ફિતુરી જુક્તિ કરીને, છુટ્યા કલંકથી છેક;
કંગાલ બાપડા પડિયા કબજે, ઊચરે લોક અનેક – પીઠાo ૨૪
બાર વાગ્યા પછી બંધજ પડિયું, બહુ થયો બંદોબસ્ત;
સરકારની સંભાળ વિના સહુ, થઈ જાત ખરાબખસ્ત – પીઠાo ૨૫
કોલ આસિસ્ટંટ થાચર કેરો, સાહીબ શૂર સુજાણ;
તોફાન તજવિજથી બધું ટાળ્યું, પોતે કરી ત્યાં પ્રયાણ – પીઠાo ૨૬
પારસી, વાણિયા જેલમાં પડિયા, પડિયાજ મુસલમાન;
એક પટાદાર સરકારી પડિયો, નિમકહરામી નાદાન – પીઠાo ૨૭
પટાવાળો લુટમાં પકડાયો, અચરજ એજ કેહેવાય;
જોતાં વિચારી વાત તે એવી, વાડ વેલાને ખાય – પીઠાo ૨૮
અગનોતરાથી અદકિ આ કાળે, ધોળે દહાડે પડિ ધાડ;
શમી ગઈ ઝટ તે થયું સારૂં, પરમેશ્વરનો પાડ – પીઠાo ૨૯
પાંચ હજારનું આશરે પ્રગટ્યું, નાણા તણું નુકસાન;
જોવા ગયો નથી સાચું કે જુઠું, શુણ્વું કહેલું કાન – પીઠાo ૩૦
ફડિયાના પાપતણો ઘટ ફૂટ્યો, રૂઠ્યો રીસાઈ રામ;
એ થકી આમ થયું જન ઉચરે, ઠાલો થયો અન્નઠામ – પીઠાo ૩૧
મૂળ તોફાનનું હું કહું માંડી, ઘણા મોઘા કર્યા ઘઊં;
અધમણમાં જોઈ છ શેર ઓછા, સાંખી રહ્યા નહિ સઉ – પીઠાo ૩૨
ફડિયા કહે પ્રભુ અમે તો રડિયા, રળિયા તે મળિયા ધૂળ;
આ સમે કેમ થયો અમપર તૂં, જગકર્તા પ્રતિકુળ – પીઠાo ૩૩
અન્નદેવ તો આખી આલમના, જીવ કેરૂંજ જીવન;
માટે મોંઘુ કિધે આવું અમને, હવું હે હરિજીવન – પીઠાo ૩૪
દીન થઈને વદે મુખ વિનતી, હરિભણિ જોડીને હાથ;
આજ પછી અન્નદેવને અમો, નહિ અટકાવિયે નાથ – પીઠાo ૩૫
દાણાની તાણ આણાથી અમારી, હવી હસારથ હાણ;
હાણ થતાં એજ હિત થયું કે, પિંડમાં રહી ગયા પ્રાણ – પીઠાo ૩૬
વરસો ભલે વસુધા પર વૃષ્ટી, ઉપજો અન્ન અથાક;
આવું કદિ હવે કરિયે તો અમને, ધીંગા ધણી દેજે ધાક – પીઠાo ૩૭
દાનત એનવી હરકત બરકત, દેખિયે દિવસ કોક;
આજ પછીથીજ કેહેવત તે અમો, ફડિયા નહિ ગણિયે ફોક – પીઠાo ૩૮
પ્રભુ પ્રારથના ફડિયાઓએ, ઊચારી આવી રીત;
આ થકી ઈશ્વર એમના ઉપર, ખુશી થસેજ ખચીત – પીઠાo ૩૯
ઊદાર બે ત્રણ આદમિયોએ, કીધું પુણ્યનું કામ;
સંધરી મોઘું દીધું સોંધામાં, ધન્ય ધામ નેં દામ – પીઠાo ૪૦
બીના બનેલી બોલી દેખાડી, નથી ઊંબેરણ નામ;
સાંભલી શ્રોંતા કરજો સરવે, શ્રીપ્રભુજીને પ્રણામ – પીઠાo ૪૧
(કવિની નોંધ : વચનિકા. ખરેખરી મોઘવારીના દિવસમાં લુટાએલુ અમદાવાદનું દાણાપીઠુ તેમજ શેરસટાથી થઈ ગયેલી ખરાબી એ બે બાબતોનો હેવાલ ખરે ખર હાલની તથા આગળની થતી પ્રજાને જાણવા જોગ છે. જેમ આપણા ઘરડાઓએ પોતાના વખતમાં બનેલી બાબતના ઇતિહાસ લખી રાખેલા છે; તેમજ વળી આપણે પણ આપણી હવે પછીની થનારી જે પ્રજા તેમને જાણવા સારૂ હાલના કાળની હકીકત લખવી જરૂર છે. એવું જાણીને સદરહુ બીનાઓ કવિતારૂપ રચી રાખેલી હતી તે પુસ્તકમાં દાખલ કરી છે.)
સ્રોત
- પુસ્તક : રણછોડકૃતકાવ્યસુધા (પૃષ્ઠ ક્રમાંક 181)
- સર્જક : રણછોડ ગલુરામ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1866