prayog - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હેતુ : સુખની સપાટી શોધવી.

સાધનો : આયુપાત્ર, વિવિધ આકારનાં વર્ષ, અને થોડું સુખ.

પદ્ધતિ : સૌપ્રથમ એક ગોળાકાર વર્ષ લો. તેને સુખથી છલોછલ ભરો, અને આયુપાત્રને એક છેડે બેસાડો. પછી શંકુ-આકાર વર્ષ લો. તેને ખાલી રાખો, ને આયુપાત્રને બીજે છેડે બેસાડી દો. હવે નળાકાર વર્ષ લઈ તેમાં અરધે સુધી સુખ રેડો, અને આયુપાત્રની મધ્યમાં ગોઠવો. હવે ત્રણે વર્ષને સ્મૃતિવાહિની નલિકા વડે અસરપરસ જોડી દો.

નિરીક્ષણ : ગોળાકાર વર્ષમાંથી સુખનું રંગીન પ્રવાહી ઝડપભેર ઊતરી રહ્યું છે. શંકુ-આકાર વર્ષમાં તે વેગપૂર્વક વધી રહ્યું છે. ગણતરીની પળોમાં ગોળાકાર, શંકુ-આકાર અને નળાકારમાં સુખ સમતલ થઈ જાય છે.

તારતમ્ય : પ્રત્યેક વર્ષ આયુપાત્રનો અંશ હોવાથી, ખાલી વર્ષ અગાઉનાં સંચિત સુખોથી ભરાઈ જાય છે. છલકાતું વર્ષ મળે ત્યારે પહેલાંનાં વર્ષોયે ખાલી નથી રહેતાં. કારણ કે સુખ સદા પોતાની સપાટી શોધી લે છે.

સ્રોત

  • પુસ્તક : સેલ્લારા (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ.
  • વર્ષ : 2003