sangrhasthan - Prose Poem | RekhtaGujarati

સંગ્રહસ્થાન

sangrhasthan

જયા મહેતા જયા મહેતા
સંગ્રહસ્થાન
જયા મહેતા

હળવેથી આવજો. મારી ભીતર એક સંગ્રહસ્થાન છે. શાંતિથી

ઊભી રહેજો. તમારો પોતાનો શ્વાસ સાંભળી શકો એટલી

શાંતિથી.

એક સંગ્રહસ્થાન છે. એમાં ભૂસું ભરેલી કોયલના કંઠમાં

થીજી ગયેલો ટહુકો છે અને પતંગિયાની ઝાંખી પડી ગયેલી

પાંખમાં રંગીન ઉડાઉડ ટૂંટિયું વળીને પડી છે,

શાંતિથી ઊભા રહેજો :

નજર માંડીને જોશો તો કબૂતરની ઘૂ ઘૂ ઘૂ-થી ફૂલેલી ડોક અને

ગભરુ સસલાની લાલ લાલ આંખમાં સિંહની ત્રાડનો

થરથરાટ જોઈ શકતો. ના, ના, ના, એની સામે બહુ વાર

જોયા કરશો. ફરી કદાચ ભયથી ફફડી ઊઠશે.

જુઓ પેલું હરણ...ઊછળતું-કૂદતું-દોડતું લાગે છે ને? પણ ના,

બરાબર જુઓ, એની ચંચળ ખરીઓ ખોડાઈ ગઈ છે ભોંયમાં

જડબેસલાક.

અને તરફ...ઓળખાય છે ચહેરો? એના હોઠ ફફડતા

લાગે છે? ના, ના, એને અડશો નહીં...

ભૂલી ગયા? એક સંગ્રહસ્થાન છે.

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007