ra6 phebruari 1966no parashn - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ર૬ ફેબ્રુઆરી ૧૯૬૬નો પ્રશ્ન

ra6 phebruari 1966no parashn

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
ર૬ ફેબ્રુઆરી ૧૯૬૬નો પ્રશ્ન
મણિલાલ દેસાઈ

જ્યારે તું બારી પાસે ઊભી રહી રસ્તા પરથી પસાર થતી ભીડ

જુએ ત્યારે તારા ચહેરા પરના તલનો તણખો કોઈને બાળી મૂકે

તેનું ધ્યાન રાખજે. કમળના પાન પરના જલ જેવી મારી યાદ કોઈ

વાર તારા હૃદયપત્ર પરથી સરી જાય તો તેનો શોક કરતી.

અહીંના લોકો તો સિનેમાના ફાટેલા પોસ્ટર જેવું સ્વપ્નનું ફાટેલું

ચિત્ર પોતાને ચહેરે ચિટકાડીને ફરે છે; એમાં તારો ચહેરો ભળવા

દેતી. હું તો હવે દેહ અક્ષર કે અર્થ દ્વારા નહીં મળું,

પરંતુ મારા વિચારોના કરોળિયા તારી આસપારા જાળું બાંધે તો

બાંધવા દેજે.

હવે તું જ્યાં મને નહીં જુએ ત્યાં હું હોઈશ; કારણ કે હું તો

ઓગળતા ધુમ્મસનો બનેલો છું, આકાશના આઠમા રંગમાં ભળેલો

છું, તારી હસ્તરેખાના એકાદ વળાંક નીચે છુપાયેલો છું, પીપળાનાં

પાનમાં ખડખડી હસું છું, નદીનાં ચંચળ જળમાં મારી નજરને

વહેવડાવું છું. કોઈ દિવસ ટપાલીનો ખોટો ભણકો સંભળાય તો

મારો પત્ર લાવ્યો હશે. ફોનની ખોટી ઘંટડી વાગે તો મારો

ફોન હશે. બારણા પર ભણકારાના ટકોરા પડે તો તે મારા હશે.

તું કાવરીબાવરી બની કાગળ લેવા, ફોન ઊંચકવા કે બારણું ખોલવા

દોડતી, નહીં તો ભૂતકાળની જાળમાં તું સપડાઈ જઈશ. તું કેમે

નહીં છૂટી શકે, એમાં બંધાયેલા રહી તારે કોશેટો રચવો

પડશે. એમાં મારા શબ્દોના તાર વીંટાળતી, નહી તો મને

ખબર છે તું એને કાપી બહાર નહીં નીકળી શકે. તું ગૂંગળાઈશ.

બારીના ફરફરતા પરદાને ખીંટીએ ટાંગજે, ઘરમાં ધૂપ સળગાવજે,

રેડિયો મોટેથી મૂકજે, ગીત ગાજે, બારી પાસે જઈને ઊભી રહેજે,

તારા ચહેરા પરના તલને સાચવીને દાબડીમાં મૂકી દેજે. કમળના

પાન પરના જલ જેવી મારી યાદ સરી જાય તો તું એનો શોક

કરતી. એને શોધવા તારાં આંસુઓને મોકલતી, નહીં તો તું

એમાં વહી જશે, તું એમાં ઢળી જશે. એકલતાનો તક્ષક પાછળ

પડે તો મારા ભવિષ્યના અંધકારમાં ભરાઈ જજે. જોજે, તારા

કર્ણમૂલની લાલ ચકમક મારા અંધકારને સળગાવી મૂકે!

તારા દીર્ઘ કેશની કાળાશ એને ઝાંખો પાડે! તારા મૌનનો

ઝંઝાવાત એને ફૂંકી મૂકે! ભૂતકાળનાં જળ તો ખજૂરાહોનાં

શિલ્પની જેમ થીજી ગયાં છે. એમાં માછલી બની તું વિહરતી,

વર્તમાનની આગમાં આગિયો બનીને પડતી, ભવિષ્યની રાતમાં

તારા મનને ઘુવડ બની ઘરની બહાર જવા દેતી.

હું તો ત્રણે કાળથી પર ગતિહીન લય અને સ્થિતિહીન યતિ

બનીને રહીશ, મારી વાસનાના સૂરજની પાછળ ખાડા ખોદી સૂઈ

રહીશ, મારા હોઠના કંપની સાથે તારા વક્ષપ્રદેશના કંપને ગોઠવીશ,

તારા ભાવના આકાશને કિલકિલાટ કરી મૂકીશ, ધીમે ધીમે પાછળ

જોયા વિના ચાલ્યા કરીશ. આગળનાં અવકાશમાં પાછળના અંધકારની

ભાત ઉપસાવીશ અને અનર્થની ભોંય પર અશોકસ્તંભની જેમ

લોખંડનો થઈ ઊભો રહીશ -

કહે, તારી યાદના સિંહને તું માથે તો નહીં મૂકી જાય ને?

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2