amdawad - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસને તો આંખો

નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં એમની બુદ્ધિ પર હવે

મોતિયો બાઝી ગયો છે. તે હું પણ અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં

રહું છું, મારી આસપાસ પણ એક ઝાંખું પડ બાઝવા માંડયું છે.

નિરોઝ–ક્વૉલિટીનું ઍરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો

પ્રયત્ન કરે છે. અને ભઠિયાર ગલી તો મણિનગરની વેશ્યાઓના પડછાયા

પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ ચૂકી છે. અને

રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની, સાબરમતીનો આશ્રમ ગાંધીએ

માછલાં પકડવા નહોતો બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો

સાથે કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઇકલરિક્ષા ચલાવનાર

અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ અમદાવાદ બળવંતરાય

મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી, અને ઇન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં

માથું મૂકવામાંથી ઉપર નથી આવતું. કાલે સરખેજની કબરમાં

અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતી કાલે આદમ મારે બારણે

ટકોરો મારી પૂછશે કે 'મેં આપેલી પેલી લાગણીએનું શું?' ત્યારે હું,

લાલ દરવાજે એક પૈસામાં 'બૂટપૉલિશ' કરી આપવા તૈયાર થયેલા

છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989