sairandhri sarg 1 - Prabandh | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૈરન્ધ્રી સર્ગ 1

sairandhri sarg 1

વિનોદ જોશી વિનોદ જોશી
સૈરન્ધ્રી સર્ગ 1
વિનોદ જોશી

સર્ગ

1

વિવશ સાંજ, નભ નિરાલંબ,

નિસ્પંદ સમીર નિગૂઢ,

એક યૌવના નતમુખ ઊભી,

વ્યગ્રચિત્ત સંમૂઢ.

હતી નામ રટતી નિજનું

સૈરન્ધ્રી શ્વાસેશ્વાસ,

હસ્તિનાપુરની મહારાણી,

તો કેવળ ભાસ.

નૃપતિ વિરાટ, વિરાટનગર,

અણજાણ અકલ્પિત દેશ;

ગુપ્તવાસ, અવગુંઠિત ઓળખ,

ધર્યો વિસંગત વેશ.

ચરણ જરા નવ ખસે,

લગીરે હસે નમણાં નેણ,

નિયતિગ્રસ્ત ક્ષતવિક્ષત ચપળા,

વદે એક્કે વેણ.

સત્ય હોય કે છલના, છેવટ

ભ્રાન્તિ હોય અનંત,

અજંપ અંતરનાં અંધારે

અકળ છુપાયા અંત.

મૃગનયની મન ધરી વિમાસણ,

પૂછે નિજને એમ :

મહારાણીપદની અધિકારી

તો પણ અનુચર કેમ?

દુપદસુતા કે ધૃષ્ટદ્યુમ્નભગિની

કે પાંડવનાર;

પરિચય સઘળા થયા લુપ્ત,

સૌથી વસમી હાર.

ગુપ્તવાસના કઠળ કવચમાં

કુંઠિત કીધા શ્વાસ,

નિજતા છોડી નિજને દીધો

કપરો કારાવાસ.

કંપિત ઊભી યૌવના, ઢાંકી ઉર પરિતાપ,

છદ્મવેશનો આકરો, મળ્યો પરમ અભિશાપ.

સંગોપી દઈ સામટા, અધવચ પ્રશ્ન અનેક,

છેવટ અબળા સંચરી, અંત:પુરમાં છેક. (1)

અંતઃપુર સોહે અલબેલું,

મળિમૌક્તિકથી મંજુલ ઘેલું;

સાંધ્ય સમય ઓઢીને અંગે,

રમે અનંગ સુદેષ્ણા સંગે.

નૃપ વિરાટને રટતી રાણી,

અબળા જોઈ વદી મૃદુ વાળી :

‘કર શૃંગાર મને, હે દાસી!

નૃપતિસંગની હું અભિલાષી.

તું સુંદર પણ હું અતિસુંદર,

કર અંગેથી દૂર પટંતર;

મિલનરાત્રિ છે આજ અમારી,

રમ્ય રૂપને દે શણગારી.

ઉત્સવ અનુપમ હશે નિશાનો,

છાક છલકશે સર્વ દિશાનો;

નૃપ વિરાટ રસસભર વિલાસી,

પ્રતિપળ કરશે સંગ સુહાસી.’

આજ્ઞા ઝીલી અનુનપૂર્વક,

કરતી દાસી સ્નિગ્ધ વિશેષક;

વક્રરેખ બે વક્ષ સુહાવે,

રોમહર્ષ અભિસાર જગાવે.

નખશિખ સુભગ સુદેષ્ણા સોહે,

પુલકિત ગાત્ર થકી મન મોહે;

વિલસે મદન પ્રફુલ્લ પ્રદેશે,

પ્રહર રાતનો પ્રથમ પ્રવેશે.

કુસુમિત અંગ સંકપ સલૂણા,

ધબકે સ્પંદન કિસલયકૂણાં;

સાંજ વિલીન થઈ વરણાગી,

મુદિત રાત મલકીને જાગી.

મદભર અવસર, કોઈ રોકે,

સૈરન્ધ્રી નિજ મન અવલોકે :

સંગે પતિ પણ સંગ પામું.

સ્ત્રીપદ વેઠું વિકટ નકામું.

કર્ણપટે આજ્ઞા પડી : ‘નૃપતિ પધારે પાસ,

હે સૈરન્ધ્રી ! જા હવે, છોડી દઈ આવાસ.

ઉત્સવ રચી અનંગનો, હવે પરસ્પર સંગ,

ભરવા અંગે અંગમાં, ઈન્દ્રધનુષના રંગ.’ (2)

સૈરન્ધ્રી નતમસ્તક ચાલી,

જાણે જળ પર મંદ મરાલી;

પાંડવકુળની ધુરા અનેરી,

વહે સમયનું સંકટ વેરી.

ભરચક ભાર ભર્યો ભીતરમાં,

નહિ સમજાતું, શું નડતરમાં?

પાડ્યું નિજનું નામ વિસારે,

વળગાડી નહિ મમત લગારે.

છાક છલકતા ઉત્સવવંતી,

નિત્ય હતી ઋતુ કોઈ વસંતી;

અટકી દાસત્વે અનિરુદ્ધા,

છદ્મવેશથી કુંઠિત ક્રુદ્ધા.

એક સમય ભીતરમાં પેઠો,

બીજો બ્હાર દ્વાર પર બેઠો;

નિત્ય નિજત્વ અવંતાર જોવું,

અંતરિયાળ પડ્યું હોવું!

ચિત્ત વિચિત્ર વિચારે ચડતું,

સ્મરી સુદેષ્ણા ઇચ્છા ઘડતું :

હું પણ સ્ત્રી શતરૂપા સુંદર,

હું પણ પામું પુરુષ નિરંતર.

ચુંબિત મર્દિત સુરભિત કાયા,

શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;

મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,

હું પણ સહજ સંગ અભિલાષી.

હું સૈરન્ધ્રી, કેવળ દાસી,

પ્હેર્યો પરિચય, પણ આભાસી;

અવગુંઠિત પાંડવપટરાણી,

દ્રુપદસુતા, પણ હું અણજાણી.

હું પણ સ્ત્રી, હું સુંદર શ્યામા,

તન્વી સુભગ સુવક્ષા વામા;

નામ-ઠામથી પર હું નારી,

પુરુષમાત્રની હું અધિકારી.

અંતઃપુરથી નીકળી, પહોંચી નિજની માંહ્ય,

નિજથી છેવટ નીકળી, પકડી નિજની બાંહ્ય.

ચરણ રહ્યાં’તાં ચાલતાં, કિન્તુ વીથિકા સ્થિર,

ભ્રમની ભ્રમણા ભાંગવા, અબળા થાય અધીર. (3)

સહસા નાદ મૃદંગ સુણાયો,

સ્વર ઉન્મત્ત લલિત પડઘાયો;

ધાતિન્દિન્તાતધિનતિનત્ધા

કર્ણપટે ગઈ પ્રગટી શ્રદ્ધા.

દૃષ્ટિ લગીર કરી દિશમાં,

દિસે નૃત્યશાળીની સુષમા;

દ્વાર નૃત્યશાળીની સુષમા

દ્વાર હતાં વાસ્યાં અધખુલ્લાં,

તરુણી દીઠી એક પ્રફુલ્લા.

રુનઝુન લાસ્ય કરે કટિભંગે,

ચરણચાપ વિલસે લય સંગે;

રસભર ડોલન અંગે અંગે,

જગવી જાણે જ્યોત અનંગે.

અનુપમ અંગુલિમુદ્રા ઓપે,

પ્રગટ ભાવ પળભરમાં લોપે;

ચંચળ ચપળા ચારુ ચકોરી,

ઝળહળ જાણે સ્વર્ણકટોરી.

ગ્રીવાભંગ સહજ મન મોહે,

અચ્યુત સુંદર કુંતલ સોહે;

નીવિબંધ આકંપિત ભાસે,

નાભિ ગહન થરકે પ્રતિશ્વાસે,

મૃગનયની મલકે મૃદુ એવું,

જલતરંગની ઝંકૃતિ જેવું;

નેત્રકટાક્ષે વદતી વાણી,

અર્થસભર પણ બહુ અણજાણી.

શ્યામવર્ણ કદલી સમ કાયા,

સ્વર્ગલોક શી મધુમય માયા;

છલકે ઉચ્છલ ઉરના કૂપા,

કોણ હશે તરુણી રતિરૂપા?

ઘોષ મૃદંગ થકી પડઘાતો,

પણ વાદક નહિ ક્યાંય જણાતો;

પહોંચી દ્વાર લગીર વિલોક્યું.

ચિત્ત એક આશ્ચર્યે રોક્યું.

શીઘ્ર છુપાઈ ઓથમાં, સૈરન્ધ્રી દિઙ્મૂઢ,

યોદ્ધો અર્જુન ક્ષણે, જોયો રૂપ અરૂઢ.

ધનુધારી ગાંડીવનો, બજવે વાજ મૃદંગ,

મત્સ્યવેધના વીરને, નિરખ્યો નવતર ઢંગ. (4)

અવિરત સંગીત નર્તન ચાલે,

વદન વિવર્ણિત પ્રતિપદતાલે;

અનુસરતી વાદક અનુપમને,

ચૂક્યાં ચરણ અચાનક સમને.

અટક્યો તાલ મૃદંગે સ્વરમાં,

અટકી ગઈ તરુણી પળભરમાં;

અર્જુન નિકટ જઈ સમજાવે,

ગ્રહી હસ્તમાં હસ્ત, નચાવે.

ઉભય પરસ્પર પાસ વિલોકી,

સૈરન્ધ્રી ગઈ સહસા ચોંકી;

નિરખી સ્વામી, થઈ સંભ્રાન્તા :

હું પદલુપ્ત, ઉપેક્ષિત કાન્તા!

કાંચનકટિ કોણ સુકન્યા?

મુગ્ધ, મત્ત ને મંજુલ વન્યા;

વિદ્યુતરેખ સમી ગતિશીલા,

કરતી નયનકટાક્ષ રસીલા.

મોહ્યો કંથ વિલોકી લલના,

સ્વતઃ કરી ભાર્યાથી છલના;

રંગ અનંગ સદા અવિચારી

પ્રબળ કેટલો અતિચારી!

વીર કર્ણ મેં વૃથા ઉથાપ્યો,

મત્સ્યવેધનો મહિમા સ્થાપ્યો;

સૂતપુત્રને લાંછન દીધું,

પાંડુપુત્રનું ગૌરવ કીધું.

ગ્રહે હસ્તમાં હસ્ત અવરનો,

નહિ અપરાધ ગણાતો નરનો!

હું દાસી ત્રાહિત, હું અબળા?

આજ્ઞાધીન પરંતુ સબળા.

રહી આટલું હજી વિચારી,

કાન પડ્યું ત્યાં કૌતુક ભારી;

કન્યા બોલી કંઈ ઊંચે સ્વર :

‘ભૂલ નથી મારી, હે કિન્નર!’

પૂર્ણપુરુષ નિજ નાથનો, રહી જોઈ ઉપહાસ,

રણરક્ષક ગાંડીવનો, કર્યો મૃદંગ હ્રાસ.

કંપિત ભર્તા જોઈને, હવે ચિંતવે નાર :

વેઠે વીર વિરૂપ, શો નિયતિદીધો ભાર! (5)

હતી ષોડશી તિર્યક્ થોડી,

પુનઃ વદી આમન્યા છોડી :

‘વિરાટ રાજાની હું કન્યા,

નામ ઉત્તરા મારું ધન્યા.

ચરણચાપ નહિ લેખ ચુકાયો,

મૃદંગનો સ્વરદોષ જણાયો;

નથી ભૂલ મારી, હે કિન્નર!

રાજકુંવરી હું, હે કિંકર!’

રહી જોઈ સૈરન્ધ્રી સ્વામી,

શરણાગતની પીડા પામી;

કહેવા લાગી વિજને એવું :

વ્યર્થ વિચાર્યું મનમાં કેવું!

સમય કદી પ્રત્યંચા માપે,

કદી નચાવે મૃદંગથાપે;

કોષ્ટક સઘળાં આડાંઅવળાં,

પડે પાસા કોઈ સવળા.

પ્રગટ થવું ને જવું છુપાઈ,

પડે વેઠવી ચતુરાઈ;

સર્વ રૂપ સંકેલી લઈને,

કેમ જીવવું અખંડ થઈને?

સહે વીર પાંડવ શી પીડા!

નિયતિ કરાવે વરવી ક્રીડા;

પળમાં પ્રાપ્તિ, પળમાં લુપ્તિ,

કેવી હોય ચિરંતર તૃપ્તિ?

વ્યગ્રચિત્ત નિજ નાથ વિલોકે,

જવું નિકટ પણ નિયતિ રોકે;

અકળાતી અવિદિત અનુબંધે,

ભાર અગોચર લઈને સ્કંધે,

અજવાળું પડતર તરડાતું,

તિમિરલોકનું પોત વળાતું;

ગયો ક્યાંક અટકી પડછાયો.

પિંડ પંડનો પણ અટવાયો.

અંતે પહોંચી અકેલી, કુટિર મધ્ય સંભ્રાન્ત,

ભીતર ભીડ્યાં દ્વારને, ખોલ્યાં ઉર એકાન્ત :

હું મહારાણી દ્રૌપદી, હું સૈરન્ધ્રી કેમ?

કેમ મને પામી શકું, કેવળ સ્ત્રીની જેમ? (6)

સૂતી અબળા વસ્તુ થઈને,

વર્તમાનને ઓઢી લઈને;

અકળ યાતના વસમી વેઠે,

પડી રતા પથ્થરની પેઠે.

શ્વાસોચ્છ્વાસ પરાણે તાણે,

ધબકારને કોણ પિછાણે?

અંધકારના અઢળક ઢગલા,

નહિ નયને નિદ્રાનાં પગલાં.

દિવસરાતની એક ઘટના.

દ્વાર ખૂલે અંતરપટનાં;

વિગત-અનાગતમાં અટવાતો,

સમય સદૈવ વિતથ અથડાતો.

અકળવિકળ મન અજંપ જાણી,

તુરગ પીડનો જાય પલાણી;

સ્વાન્તઃ સુખથી વંચિત વામા,

પ્રગટ થવાને કરે ઉધામા.

પ્રહર પસાર થતો અતિ મંથર,

યુદ્ધ નિરંતર બાહ્યાભ્યંતર;

કોઈ કદી નહિ જીતે-હારે,

સર્વ ડૂબતાં જઈ મઝધારે.

જન્મ-મૃત્યુના અજાણ છેડા,

દોડે સતત સમયના કેડા;

અંતહીન અટકળમાં ખોવું,

મળે પાછું નિજનું હોવું!

સ્મરી સુદેષ્ણા, તનમન તૃપ્તા,

ભાર્યા વિશ્લથ, કામવિમુકતા;

ઊભી થઈ અબળા અચકાતી,

જાણે દીપશિખા લચકાતી.

કુટિરદ્વાર મધરાતે ખોલ્યાં,

સ્પંદન મંદ પવનનાં ડોલ્યાં;

પાંચ પાંચ પતિ પણ એકાકી,

વિચારે છેવટ થાકી.

કોણ મને ઝંખે? અને ઝૂરે મારી જેમ?

ઓળખ ઢાંકી પૂછવું, કોને જઈને એમ?

સૈરન્ધ્રી ઊભી રહી, અધવચ ઉંબરદ્વાર,

અવઢવ એને મોકલે, નહિ અંદર નહિ બ્હાર. (7)

સ્રોત

  • પુસ્તક : સૈરન્ધ્રી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
  • વર્ષ : 2018