Yoseph Macwan Profile & Biography | RekhtaGujarati

યૉસેફ મેકવાન

કવિ, વાર્તાકાર, નવલકાર, બાળસાહિત્યકાર અને વિવેચક

  • favroite
  • share

યૉસેફ મેકવાનનો પરિચય

તેમનો જન્મ 20 ડિસેમ્બર, 1940ના રોજ અમદાવાદમાં ફિલિપ અને મરિયમને ત્યાં થયો હતો. તેમનું વતન નડીઆદ નજીક આવેલ માલાવાડા ગામ. એસ.એસ.સી.માં કૌટુંબિક સમસ્યાઓને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મદદગાર તરીકે નોકરી કરી, પરંતુ અલ્પ વેતનને કારણે તેમણે અભ્યાસ યથાવત્ રાખતા 1968માં તેમણે ગુજરાતીમાં વિનયન સ્નાતક, 1970માં અનુસ્નાતક અને 1975માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ. કર્યું. 1963માં તેઓ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં નિવૃત્તિ સુધી (34 વર્ષ) શિક્ષક તરીકે સેવા આપી. નિવૃત્તિ બાદ શરૂઆતનાં વર્ષોમાં  રાજકોટની ચર્ચમાં ઘણું કામ કર્યું. ત્યારબાદ ઘણા બધા અનુવાદ, વાર્તા લેખન અને અન્ય લેખન પણ કર્યું. તેમણે ત્રણ વર્ષ સુધી ‘વૈશાખી’ દ્વિમાસિક ચલાવ્યું હતું. ‘મુંબઈ સમાચાર’ અને ‘સમભાવ’માં કોલમો લખી અને પ્રયોગાત્મક ગ્રુપમાં પણ જોડાયા. 25 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.

‘કુમાર’ની બુધસભામાં સાતત્યપૂર્ણ હાજરી તેમજ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત અને ક.મા.મુન્શીની રચનાઓનો ઘણો પ્રભાવ તેમના સર્જનમાં સહાયક પૂરવાર થયો. ‘સંસ્કૃતિ’માં તેમની પ્રથમ કૃતિ ‘અરાવત’  સામયિકમાં પ્રકાશિત થઈ હતી. ‘સ્વગત’ (1969) એ તેમનો સૉનેટ, છાંદસ કવિતા અને ગીતનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો, ઉપરાંત તેમના અન્ય કાવ્ય સંગ્રહો ‘સૂરજનો હાથ’ (1983), ‘અલખના અસવાર’ (1994) અને ‘અવાજના એક્સ-રે’ (2000) વગેરે છે. ‘હે જી શબદું તો’ અને ‘સમયનો દસ્તાવેજ’ નામે ગીત સંગ્રહ આદિ છે. તેમની પાસેથી લઘુનવલ અને વાર્તામાં ‘સંબંધ વિનાના સેતુ’ (1994) અને ‘સુખની ત્રિજ્યા’ સમાવિષ્ટ છે. ‘ક્ષણાર્ધનું મહાભારત’ સંસ્મરણકથા છે.

તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે. તેમના બાળકાવ્ય સંગ્રહો ‘તોફાન’ (1979), ‘ડીંગ ડોંગ-ડિંગ ડોંગ’ (1982) છે, જ્યારે તેમની બાળવાર્તાઓમાં ‘પમરાટ’ (1990), ‘વાહ રે વાર્તા વાહ!’ ‍‍(1994), ‘રૂમઝૂમ પતંગિયું’ (1998), જાદુઈ પીંછું’ (1998), ‘ઢીચકું’ (1998), ‘આવ હયા, વારતા કહું...’ (2008), ‘હયા, સુમેધા, કશ્વી’, ‘મોરપિચ્છી  મત્સ્યકન્યા’, ‘સ્વપ્નગ્રહની સફરે’, ‘નવતર બાળવાર્તાઓ’, ‘વિકાસ બાળવાર્તાઓ’ આદિનો સમાવેશ થાય છે. તેમના પક્ષીઓ વિશેના કાવ્યો ‘પ્રાણીબાગની સેર’ (1990) અને ‘કલરવ’ (1990)માં સમાવિષ્ટ છે.

‘કાન હોય તે સાંભળે’ (2001) અને ‘સંવેદના સળ ને વળ’ (2004) એ તેમના નિબંધ સંગ્રહો છે. ‘હળવા હાથે’ (1997) તેમના રમૂજી નિબંધો છે. ‘ક્રોસ અને કવિ’ (1987), ‘શબ્દગોષ્ટિ’, ‘શબ્દની આરપાર’ (2008), ‘શબ્દને અજવાળે’ (2007) અને ‘શબ્દસહવાસ’ (2008)માં વિવેચનકાર્ય પ્રકાશિત થયું છે. ‘અક્ષરા’ (2007) અને ‘ગુજરાતી કવિતા ચયન 2011’ તેમનાં સંપાદન પુસ્તક છે. ‘સ્તોત્રસંહિતા’ (1980, ઈસુદાસ હવેલી સાથે) તેમનો બાઇબલના ‘psalms’નો પદ્યાત્મક છંદોબદ્ધ અનુવાદ છે. ‘બાળસાહિત્યના પરિઘમાં’ બાળસાહિત્ય પરનું પુસ્તક છે. ઉપરાંત અન્ય પુસ્તકોમાં ‘નાની અમથી વાત’, ‘કવિ અને જગત’, ‘કવિતાની પ્રક્રિયા’, ‘માતા-પિતાને’, ‘આમાં તમે પણ ક્યાંક છો’, ‘શ્વાસોનાં શિલ્પ’, ‘પળનાં બિંબ પ્રતિબિંબ’ વગેરે સમાવિષ્ટ છે.

તેમના સર્જનને બિરદાવતા ‘સ્વગત’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર, બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી અને બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ‘સૂરજનો હાથ’ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર (1983માં), ‘કુમાર સુવર્ણચંદ્રક’ (2013માં) આદિ પુરસ્કાર મળ્યા છે.

(તસવીર સૌજન્ય: સંજય વૈદ્ય)