યોગેશ ભાનુપ્રસાદ જોષીનો જન્મ 3 જુલાઈ, 1955ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. તેમણે એમ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક 'પરબ'ના તંત્રીની જવાબદારી પણ તેમણે સ્વીકારી હતી. તેમણે ગુજરાત સાહિત્યસભાના મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
યોગેશ જોષીએ ‘મોટી બા’ (1998) નામનું ચરિત્ર લખ્યું હતું જેના માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત સાહિત્યસર્જન માટે ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (1999) એનાયત પણ થયું હતું.
યોગેશ જોષીની પ્રથમ લઘુનવલ ‘સમુડી’ 1984માં શબ્દસૃષ્ટિમાં ધારાવાહીરૂપે પ્રગટ થઈ હતી. સમુડી નવલકથામાં મહેસાણાની લોકબોલીનો વિશિષ્ટ ઉપયોગ કર્યો હોવાના કારણે ધ્યાનાકર્ષક બની હતી. લેખકે આ લઘુનવલને સરળ ભાષામાં લખી છે. ત્યાર બાદ 1987માં તેમણે ‘જીવતર’ નામની નવલકથા લખી હતી. જેમાં તેમણે બે વૃદ્ધ સ્ત્રી-પુરુષની લાગણીઓને વર્ણવી છે. બંને કૃતિઓમાં જે પ્રકારે બોલીઓનો પ્રયોગ થયો છે તે ધ્યાનાકર્ષક છે. તેમણે ‘નહીંતર’ (1994) અને ‘આરપાર’ (1992) નામની બે નવલકથાઓ લખી છે. 2001માં પ્રકાશિત થયેલી ‘વાસ્તુ’ નામની નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ સહિતની અનેક સંસ્થાઓના પુરસ્કાર મળ્યા હતા. નવલકથા ‘ભીનાં પગલાં’ 2004માં પ્રકાશિત થાય છે.
યોગેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હજીયે કેટલું દૂર?’ 1993માં પ્રકાશિત થયો હતો. બીજો વાર્તા સંગ્રહ ‘અધખૂલી બારી’ (2001) છે. 'અવાજનું અજવાળું' (1984), 'તેજસનો ચાસ' (1991) અને 'જેસલમેર' (2007) નામના કાવ્યસંગ્રહ તેમણે આપ્યા છે. 'કેસૂડાંનો રંગ' (1990), 'રામાયણનાં અમર પાત્રો' (2002), 'ઈસપનીતિ' (2002), 'વિક્રમ-વેતાલ' (2004), 'સિંહાસન બત્રીસી' (2005) વગેરે તેમનાં બાળસાહિત્યના પુસ્તકો છે. 'અંતઃપુર' (2002) તેમનો નિબંધસંગ્રહ છે. 'મૃત્યુ સમીપે' અને 'પતંગની પાંખે' તેમનાં અનુવાદિત પુસ્તકો છે.
'ગૂર્જર પ્રણય કાવ્યસંચય' (1998), 'ગૂર્જર ગઝલ સંચય' (1998) અને 'વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા' (2007) તેમના સહસંપાદનો છે.