Yashvant Trivedi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યશવંત ત્રિવેદી

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને સંપાદક

  • favroite
  • share

યશવંત ત્રિવેદીનો પરિચય

એમનો જન્મ 16 સપ્ટેમ્બર, 1934ના રોજ પાલિતાણા મુકામે પિતા રામશંકર અને માતા રેખાબહેનને ત્યાં થયો. મૂળ મહુવાના વતની. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો લઈ 1956માં વિનયન સ્નાતક, ભાવનગરની હરભાઈ ત્રિવેદીની ઘરશાળામાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાંથી 1958માં મુંબઈ આવવાનું થયું. મુંબઈ આવ્યાના છ-સાત વર્ષ પછી માટુંગા સ્થિત રૂઈયા કૉલેજમાંથી 1965માં ગુજરાતી, સંસ્કૃત વિષય સાથે વિનયન અનુસ્નાતક, 1979માં રમેશ જાનીના માર્ગદર્શનમાં ‘કાવ્યની પરિભાષા' વિશે મહાશોધનિબંધ લખી પીએચ. ડી.ની પદવી મેળવી ઉપરાંત ‘લોકમિલાપ' અને ‘માનસી’માં પણ તેમણે કામ કર્યું. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા.

યશવંત ત્રિવેદીએ અનુક્રમે ‘એ સૂરજ ઊગે’ (1956), ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં’ (1958), ‘ચિર વસંત’ (1960), ‘સુરદાસી’ (1962), ‘દુનિયા કેટલી બેવકૂફ છે' (1963) વગેરે વાર્તાસંગ્રહ, ‘ભાષાવિહાર' (1963), ‘ઈષિકા’ (1978), ‘The Beacon Light' (1980), ‘પાબ્લો નેરૂદાની કવિતા’ (1981), ‘કાવ્યની પરિભાષા’ (1978), ‘મીરાંબાઈ : મધુરાં પ્રેમભક્તિ અને ધર્મક્રાન્તિની અગ્નિશિખા’ (1982), ‘આંતરરાષ્ટ્રીય કવિઓ’ (1983), ‘અશેષ આકાશ’ (1987), ‘મેઘાણીભાઈ : શતાબ્દીના ટીંબેથી’ (1996), ‘મહાત્મા કબીર અને મીરાંબાઈ’ (2002) વગેરે વિવેચન પુસ્તક, ‘નવીન વિશેષવાચન શ્રેણી ભાગ 1 થી 6 (1965-66-67), ‘મુંબઈ સમાચારનાં લેખો-1’ (1983), ‘આ ઉદ્ભવતા ઉજાસમાં' (1997), ‘અનિર્વચનીય પ્રકાશ’ (1998), ‘અનંત ઉજાસ’ (1998), ‘આ પુષ્પોની પાંડુલિપિ’ (1998), ‘અમૃતકુંભ’ (1998), ‘અંતરના પત્રાંતરાલમાં’ (1999), ‘અમર સર્જકોની યાદગાર રચનાઓ’ (2000) વગેરે પ્રકીર્ણ પુસ્તક, ‘ગાંધી કવિતા’ (1969), ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’ (1973), ‘અને સાહિત્ય’ (1975), ‘પ્રતિ-યુદ્ઘકાવ્યો’ (1977), ‘પરિશેષ’ (1978), ‘Yashavant trivedi selected poems' (1978), ‘પ્રલંબિતા’ (1981), ‘સાહિત્યિકવાદ’ (1982), ‘ઉપાસના’ (1985), ‘મને આ ગમ્યું’ (1986), ‘આરાધના’ (1986), ‘વિશ્વસાહિત્યસંદર્ભે સરસ્વતીચંદ્ર’ (1987), ‘માતૃભાષાને સમૃદ્ધ કરવા આપણે શું કરી શકીએ?’ (1999), ‘રાધાકૃષ્ણ ગીતિકા’ (2000), ‘આ જીવન મને કેવું લાગ્યું?” (2002), ‘108 ગોપીગીત, ભ્રમરગીત કૃષ્ણકાવ્યો' (2006) આદિ સંપાદન, ‘કવિતાનો આનંદકોશ' (1970), ‘ઝુમ્મરો’ (1974) વગેરે કાવ્યાસ્વાદ પુસ્તક, ‘ગ્રુસડાઈન ગોટ’ (1982) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક, ‘થોડીક વસંત થોડાક ભગવાનનાં આંસુ’ ભાગ 1-2 (1982, 1983) નિબંધસંગ્રહ, ‘પ્રેમ ધર્મનું જાગરણ’ (1982), ‘અહિંસાનું દર્શન’ (1982), ‘મન અને પરબ્રહ્મ’ (1983), ‘પૂર્ણતાનું આચ્છાદન’ (1983), ‘ધર્મ-આધ્યાત્મ લેખો’ (1984), ‘અહિંસાનું નવું દર્શન’ (1984), ‘અનંતપ્રકાશ’ (1986) વગેરે ધર્મ-અધ્યાત્મ પુસ્તકો, ‘પરિદેવના’ (1976) અને ‘પશ્ચિમા’, ‘પરિશેષ’ (1978, સં. પ્રમોદકુમાર પટેલ) અને ‘આશ્લેષા’ (1988) વગેરે કાવ્યસંગ્રહ, ‘જલવિથિ' (1985), ‘પ્રેમદ્વીપ’ (1987), ‘આનંદપુરમ આવો છો ને?' (2007), ‘મને વિસ્મૃતિનો શાપ આપો' (2007) વગેરે નવલકથા, ‘ઇન્ટરવ્યૂ’ (1986) સાહિત્યિક મુલાકાતોનું પુસ્તક અને ‘આવું કે દક્ષિણના પવનમાં?’ (2000), ‘આ રસ્તો આકાશ સુધી જાય છે!’ (2003), ‘અનામ આકાશ’ (2003), ‘આ જિંદગી પરમાત્માએ લખેલી પરીકથા’ (2005), ‘શ્રેષ્ઠ લલિતનિબંધો’ (2004) ઉપરાંત તેમણે ધર્મ-અધ્યાત્મ, શિક્ષણ, સૌંદર્યશાસ્ત્ર વગેરેનાં 108 જેટલાં પુસ્તકો આપી પોતાની બહુમુખી પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું રામપ્રસાદ બક્ષી પારિતોષિક, 1978નો સોવિયેતલેન્ડ નહેરુ ઍવૉર્ડ, કાકાસાહેબ કાલેલકર ઍવૉર્ડ, સુરસિંગાર સંસદનો રાષ્ટ્રીય ઍવૉર્ડ, તેમજ જે. એ. ફાઉન્ડેશન તરફથી ‘સાહિત્યરત્ન’ ઍવૉર્ડ  અને સાહિત્ય અકાદમીનાં વિવિધ પારિતોષિકો મળેલ છે.