Vishwanath Jani Profile & Biography | RekhtaGujarati

વિશ્વનાથ જાની

મધ્યકાળના પદકવિ અને આખ્યાનકાર

  • favroite
  • share
  • 1652

વિશ્વનાથ જાનીનો પરિચય

  • જન્મ -
    1652

સત્તરમા શતકની મધ્યમાં થઈ ચૂકેલા વિશ્વનાથ જાની જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ અને પાટણના વતની હતા. એમની કૃતિઓમાં મુખ્યત્વે કૃષ્ણભક્તિ - પ્રેમલક્ષણા ભક્તિ પ્રબળપણે વ્યક્ત થઈ છે. તેમની પ્રમુખ કૃતિઓમાં ‘પ્રેમપચીસી’, ‘મોસાળું’ અને ‘સગાળચરિત્ર’ સમાવિષ્ટ છે. તેમાંય ‘પ્રેમપચીસી’માં કવિની કવિત્વ શક્તિ સોળે કળાએ ખીલી છે, તેવી જ રીતે ‘મોસાળું’ પણ અન્ય કૃતિઓ મુકાબલે મુઠી ઉચેરી કૃતિ નીવડી છે. એક માન્યતા મુજબ, પ્રેમાનંદે વિશ્વનાથના ‘મોસાળા’માંથી પ્રેરણા લઈને ‘મામેરું’ રચ્યું હોવાની સંભાવના છે. હકીકત ગમે તે હોય, એટલું તો નિશ્ચિત છે કે પ્રેમાનંદના મામેરાની મુકાબલે ઊભી રહી શકે તેવી રસદાયક કૃતિ વિશ્વનાથે આપેલી છે. ‘મોસાળાચરિત્ર’ કે ‘મામેરું’ના કુંવરબાઈના પાત્રાલેખન પરથી તેમજ શિવપુરાણ અને લોકકથા આધારિત ‘સગાળચરિત્ર'માં ચેલૈયાના બલિદાનની હૃદયદ્રાવક કથાના નિરૂપણ પરથી સ્પષ્ટ સમજાય છે કે વિશ્વનાથ કરુણરસના આલેખનમાં એમની આગવી હથોટી છે. ‘પ્રેમપચીસી’ અને ‘ચાતુરીચાલીસી’ નામે પદમાળાઓ આપી, જેમાં ‘પ્રેમપચીસી’માં ભાગવતમાંથી લીધેલી ‘ઉદ્ધવસંદેશ’ની કથા છે, તેમાં પણ કૃષ્ણના વિરહમાં ઝૂરતા ગોકુળવાસીઓના સંદેશા મૂકીને તેમણે કરુણ રસની જમાવટ કરેલી છે. તો ‘ચાતુરીચાલીસી’ ગોપીકૃષ્ણના ભક્તિશૃંગારનું રસસભર નિરૂપણ છે. ભાલણ બાદ પોતાની ભાષાને ‘ગુર્જર ભાષા’ તરીકે ઓળખાવનાર વિશ્વનાથ પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકાર તરીકે તેમજ નરસિંહ મહેતાના જીવન વિશે કાવ્ય લખનારાઓમાં વિષ્ણુદાસ, કૃષ્ણદાસ અને ગોવિંદ પછી સ્મરણીય છે. 

પ્રસાદ બ્રહ્મભટ્ટ, ડૉ. નિરંજના વોરા, મહેન્દ્ર દવે વગેરે દ્વારા વિશ્વનાથ જાની રચિત ‘પ્રેમપચીસી’નું વ્યક્તિગત સંપાદન મળે છે.