Viru Purohit Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વીરુ પુરોહિત

અનુઆધુનિકયુગના કવિ, નાટ્યકાર અને વિવેચક

  • favroite
  • share

વીરુ પુરોહિતનો પરિચય

  • મૂળ નામ - વીરેન્દ્રરાય વ્રજલાલ પુરોહિત
  • જન્મ -
    20 એપ્રિલ 1950

વીરુ પુરોહિતનો જન્મ 20 એપ્રિલ, 1950ના રોજ સૌરાષ્ટ્રના ભાયાવદર ગામમાં થયો હતો. તેમણે 1966માં એસ.એસ.સી. પાસ કર્યું. 1972માં બી.એ. અને 1975માં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. પીએચ.ડી.ની ડિગ્રી માટે રમણલાલ જોશીના માર્ગદર્શનમાં 'કાવ્યનો સામાજિક ધર્મ' વિષય પર શોધનિબંધ લખ્યો. મુંબઈની 'મુકુંદ આર્યન ઍન્ડ સ્ટીલ વર્ક્સ’માં સેલ્સ ડિપાર્ટમૅન્ટમાં 1975માં જોડાયા. 1981થી 1990 સુધી જુદી જુદી કૉલેજમાં પાર્ટટાઇમ વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. 1990થી ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ, કૉમર્સ ઍન્ડ હોમસાયન્સ કૉલેજ, જૂનાગઢમાં ગુજરાતીના અધ્યાપક તરીકે નોકરી કરી રહ્યા છે.

વીરુ પુરોહિતે 'વાંસ થકી વહાવેલી' (1983) અને 'અગિયારમી દિશા' (2000) નામના બે કાવ્યસંગ્રહ આપ્યા છે. તેઓના કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે ગીતો અને ગઝલો છે. 'અગિયારમી દિશા' કવિતાસંગ્રહને 2000ના વર્ષનો શ્રી જયન્ત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો છે. પ્રેમ, પ્રકૃતિ અને મૃત્યુ વગેરેનાં ગીતોમાં તેઓ વિવિધ ભાવોને લઈને આવે છે. તેમની 'વિરાટનૃત્ય', 'કાચઘરમાં', 'અભીપ્સા', 'સારિકા પંજરસ્તા', 'મૃત્યુ', 'દંગલ જેવી ગીતરચનાઓમાં આધુનિક ભાવસંવેદનો ઉત્કટ રીતે અભિવ્યક્તિ પામ્યાં છે. તેમની ગઝલોમાં 'લગાવ છે', 'અમથી અવેજમાં…', 'ગનીમત છે', 'ખબર ન હો!', 'ઝાંઝવા નીકળે!' વગેરે નોંધપાત્ર છે.

વીરુ પુરોહિતે લખેલું એકમાત્ર દ્વિઅંકી નાટક 'પુરુ અને પૌષ્ટી' છે. મહાભારત અને મત્સ્યપુરાણમાં આવતા યયાતિની કથા પરથી આ નાટક લખાયું છે. 2001માં 'ગિરા ગુર્જરી' અને સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આ નાટકને પુરસ્કારથી સન્માનિત કરાયું છે.

'કાવ્યનો સામાજિક ધર્મ' પીએચ.ડી. માટે તેમણે જે મહાનિબંધ લખ્યો હતો તેનો વિવેચનગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં કાવ્ય એટલે શું?, સમાજ અને સામાજિકતા, ધર્મ એટલે શું?, સર્જન અને પ્રત્યાયન, કાવ્યનો સામાજિક ધર્મ એમ બહુલતાને લક્ષમાં લઈને ચર્ચા કરી છે.