Vipin Parikh Profile & Biography | RekhtaGujarati

વિપિન પરીખ

ગુજરાતી કવિ, નિબંધકાર અને ચરિત્રકાર

  • favroite
  • share
  • 1930-2010

વિપિન પરીખનો પરિચય

  • જન્મ -
    26 ઑક્ટોબર 1930
  • અવસાન -
    18 ઑક્ટોબર 2010

વિપિન પરીખનો જન્મ 26 ઓક્ટોબર, 1930ના દિવસે મુંબઈમાં છોટાલાલ પરીખને ત્યાં થયો હતો. તેમનું વતન વલસાડ જિલ્લાનું ચિખલી. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ કર્યો. મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્ય સ્નાતકનો અભ્યાસ કર્યો સાથે હાર્ડવેરના ધંધામાં તેમના પિતા સાથે જોડાયા. તેમણે સ્વ-પ્રતિભાથી જ જીવ-રસાયણ શાસ્ત્ર અને જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. તેમને સંગીત અને જ્યોતિષનો પણ શોખ રહ્યો હતો. આઠ દાયકા જીવેલા આ સર્જકનું તા. 8 ઓક્ટોબર, 2010ના રોજ મુંબઈમાં અવસાન થયું.

વિપિન પરીખ આમ તો સામાજિક સભાનતાનાં કવિ છે. તેમની પાસેથી ‘આશંકા’ (1975), ‘તલાશ’ (1980) અને ‘કૉફી હાઉસ’ (1998) નામે ત્રણ કાવ્યસંગ્રહ ઉપરાંત ‘મારી, તમારી, આપણી વાત’ (2003) શીર્ષકથી તેમની સમગ્ર કવિતાઓનો કાવ્યસંગ્રહ મળે છે. એમની કવિતા સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી અને નગરજીવનની હોહા, વ્યસ્તતા, એકલતા, પ્રદૂષણ, નિર્મમતા, યાંત્રિકતા આલેખતી તેમજ સરળ પ્રાકૃતિક જીવન તથા માનવ-માનવ વચ્ચેના સંબંધમાં પ્રેમ અને આત્મીયતા વધે એવી ઝંખના સેવતી કવિતાઓ છે. ‘આલિંગનને કાટ લાગે છે’ (1999) અને ‘હું પાછો આવીશ ત્યારે’ (2011) એ તેમના નિબંધ સંગ્રહો છે. ‘શાંતિ પમાડે એને સંત કહીએ’ (1999)માં તેમણે વિવિધ સંતોના ટૂંકા જીવનચરિત્રો આલેખ્યા છે. સુરેશ દલાલે તેમના પર કવિ એની કવિતા શ્રેણી અંતર્ગત એક પુસ્તક તૈયાર કર્યું છે.