Vinod Joshi Profile & Biography | RekhtaGujarati

વિનોદ જોશી

જાણીતા કવિ અને વિવેચક, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક

  • favroite
  • share

વિનોદ જોશીનો પરિચય

જન્મ 13 ઑગસ્ટ 1955ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના ભોરીંગડા ગામમાં હરગોવિંદદાસ જોશી અને લીલાવતી જોશીને ત્યાં થયો. પિતા હરગોવિંદદાસ જોશી સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા તેમ જ ગ્રામીણ સૌરાષ્ટ્રમાં પંચાયત મંત્રી તરીકે સેવા આપતા. વિનોદ જોશી માતા લીલાવતી જોશીએ ગાયેલાં લોકગીતથી પ્રભાવિત થયા છે. વતન બોટાદ. ગઢડાની મોહનલાલ મોતીચંદ બાલમંદિર ખાતે પૂર્વશાળા શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ (1960થી 1966 સુધી) બોટાદ જિલ્લાના તુરખા ગામની સરકારી શાળા ખાતે, માધ્યમિક શાળા 1967થી 1968 સુધી એન.ટી.એમ. સરકારી હાઈસ્કૂલ, સુરેન્દ્રનગર ખાતે. 1969માં સર્વોદય વિદ્યાલય અને 1975માં સરકારી હાઈસ્કૂલ, બોટાદમાં શિક્ષણ મેળવ્યું. વિનોદ જોશીએ 1975માં, બોટાદની કવિશ્રી બોટાદકર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી ગુજરાતી સાહિત્યમાં સ્નાતક, 1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતીમાં અનુસ્નાતક પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને રહીને પ્રાપ્ત કરી છે. ઉચ્ચશિક્ષણની બધી પરીક્ષાઓમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવી સુવર્ણચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા છે. 1980માં ઈશ્વરલાલ ર. દવેની દેખરેખ હેઠળ ‘રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’ વિષય પર 24 વર્ષની વયે ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. વર્ષ 1977માં ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે અધ્યાપક તરીકે જોડાયા. એ પછી બીજા વર્ષે ભાવનગર કાપડિયા મહિલા આર્ટ્સ કૉલેજ, ભાવનગરમાં દસ વર્ષ સુધી અધ્યાપક તરીકે રહી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું અને ડીન તેમ જ કુલપતિપદેથી આ યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું. ઉપરાંત, યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળના સભ્ય પણ રહ્યા છે. એમણે 2008થી 2012 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી અને પશ્ચિમ ભારતીય ભાષાઓના કન્વીનર તરીકે સેવા આપી છે. એમને 2018થી 2022ના સમયગાળા માટે ફરી એ જ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને યુ.પી.એસ.સી.માં સભ્ય. ‘હવાની હવેલી’, ‘મોરપિચ્છ’, ‘ખોબામાં જીવતર’ જેવી લોકપ્રિય કટારોના લેખક તેમ જ મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા પુરવાર થયા છે.

એમની પાસેથી સર્જન, વિવેચન, અને સમ્પાદનનાં 35થી વધુ પુસ્તકો મળ્યાં છે. પણ એમનું મુખ્ય કામ કવિતાક્ષેત્રે રહ્યું છે. શાળાકીય શિક્ષણ દરમિયાન તેમની કવિતા સૌ પ્રથમ 1973માં 18 વર્ષની વયે, ‘કુમાર’માં પ્રકાશિત થઈ. ત્યાર બાદ તેમની કવિતાઓ ‘કવિલોક’, ‘કવિતા’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘નવનીત-સમર્પણ’, ‘બુદ્ધિપ્રકાશ’ સહિતનાં અન્ય ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થઈ છે. વિનોદ જોશી સમકાલીનોથી અલગ ભાત ગીતરચનામાં ઉપસાવે છે. કોઈના પ્રભાવમાં આવ્યા વિના પોતાની અલગ મુદ્રા ગીતકવિતામાં ઊભી કરે છે. તેઓ લેખન વિશે કેફિયતમાં લખે છે :

“હું સાહિત્યસર્જન કરવાના મનસૂબા સાથે નથી લખતો. તો છંદોલય અને સાહિત્યકલાની થોડીઝાઝી આવડતની કૂંચીઓ અજમાવવાના અભરખાથી પણ નથી લખતો. ન લખું તો કોઈ અફસોસ નથી. લખીને કોઈ મોટી મોથ મારતો નથી, પણ ગળથૂથીમાં મળેલી ગુજરાતી ભાષા મને આહ્વાન આપે છે. તેની સાથેની ક્રીડા મનોરંજન કરાવે છે.”

તેમની ‘પરંતુ’ પ્રથમ કૃતિ 1984માં કવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. 1985માં પ્રકાશિત સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘકવિતા ‘શિખંડી’ ખંડકાવ્ય જેમાં ‘મહાભારત’ના ‘ઉદ્યોગપર્વ’માં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઈ કવિએ શિખંડી (પૂર્વજન્મની અમ્બા) અને ભીષ્મની માનવ્ય ભાવછવિ અને મનોવ્યથા રજૂ કરી છે. વ્યાસ રચિત ‘મહાભારત’માં આવતા સુખ્યાત શિખંડી–ભીષ્મના કથાનકમાં સ્વાયત્ત ઉમેરણ પણ તેમણે કર્યું છે. કાવ્ય કુલ ત્રણ ખંડમાં વિભાજિત કર્યુ છે. ત્રણેય ખંડનો આરંભ અને અંત પ્રવક્તાથી થયો છે. કાવ્યમાં એક રાત્રિની ઘટના ખપમાં લીધી છે. સ્થળ-કાળ વર્ણન દ્વારા વસ્તુને પોષક વાતાવરણ પણ સર્જકે દર્શાવ્યું છે. ‘તુણ્ડિલ-તણ્ડિકા’ (1987), બીજી લાંબી કવિતા, આધુનિક શૈલીમાં મધ્યયુગીન ગુજરાતી પદ્યવાર્તા સ્વરૂપનું પુનરાવર્તન છે. ‘સૈરન્ધ્રી’ વિનોદ જોશીનું 2018માં પ્રગટ થયેલું સાત સર્ગ અને ઓગણપચાસ ખંડમાં લખાયેલું ચોપાઈ અને દોહરામાં નિબદ્ધ પ્રબંધકાવ્ય છે. મહાભારતના વિરાટપર્વમાં આવતા કથાનકનો લગીર આધાર લઈ કવિએ તેમાં, અજ્ઞાતવાસ દરમિયાન સૈરન્ધ્રી બનતી દ્રૌપદીનાં સૂક્ષ્મ મનોસંચલનો અને તે નિમિત્તે મનુષ્યજીવનની સદા અજ્ઞાત રહેવું પડતું હોવાની અપરિહાર્ય અને ઘોર વિભીષિકાનું ઘેરું આલેખન કર્યું છે. અહીં મહાભારતકારથી તદ્દન અલગ કવિદૃષ્ટિએ આલેખાયેલી સૈરન્ધ્રી કેવળ એક સ્ત્રી છે, જે પોતાનાં પ્રકૃતિદત્ત આવિર્ભાવો અને આપદ્ સ્થિતિઓનાં દ્વંદ્વો વચ્ચે ફસાયેલી છે. અહીં, કર્ણ પ્રત્યેનો એનો જીવનપર્યંતનો સહજ નૈસર્ગિક અનુરાગ, પાંચ પાંડવપતિઓના સ્વીકારનું અણગમતું સમાધાન, કીચક પરનું સ્વયં આક્રમણ, દંડિત થયાની ઓજસપૂર્ણ પ્રતિક્રિયા, અને પ્રગટ ઓળખ પાછળની અપ્રગટ ઓળખની શોધ કાવ્યનું મુખ્ય ચાલકબળ બને છે. અગ્નિપુત્રીના ચિતા-આરોહણથી કાવ્યનો અંત આવે છે પણ ભાવકચિત્તમાં ત્યારે જ તેનો ખરો પ્રારંભ થાય છે. વર્ણસૌન્દર્યની અવનવીન કાવ્યાત્મક છટાઓ દાખવતાં આ સુનિબદ્ધ પ્રબંધકાવ્યમાં ગૂંથાયેલું સર્વકાલીન તત્ત્વદર્શન પ્રશિષ્ટ કાવ્યભાષામાં નિરાળું લાગે તેવું છે. મધ્યકાલીન કાવ્યસ્વરૂપનું અહીં નવેસરથી રૂપાયન થયું જોવા મળે છે. દેશનિકાલ દરમિયાન મહિલા તરીકે દ્રૌપદીના વિચારો અને લાગણીઓનું એક અલગ વિશ્વ દર્શાવે છે. પ્રશિષ્ટ પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’થી એમની કવિપ્રતિષ્ઠા સર્વાધિક ધ્યાનપાત્ર બની. દ્રૌપદીના સૈરન્ધ્રીરૂપનું તેમાં નારીસાપેક્ષ ભાવોત્કટ અને તત્ત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધકાવ્યનો સ્વયં કવિએ હિન્દી ભાષામાં સમચ્છંદી અનુવાદ પણ કર્યો છે. તેનાં નૃત્ય-નાટ્ય રૂપાંતરો દેશ-વિદેશમાં ભજવાયાં પણ છે. ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ તાજેતર 2023માં પ્રગટેલ નૂતન કવિતાઓનો સંચય છે. વિનોદ જોશીની પસંદ કરેલી કવિતાઓ ‘કૂંચી આપો બાઇજી’ તરીકે સંકલિત કરવામાં આવી છે. એમણે ગઝલ પણ લખી છે. ‘અમૃત ઘાયલ’ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક રહ્યા છે.

કવિની કાવ્યસૃષ્ટિ કાવ્યસાહિત્યમાં નિરાળી સુવાસથી મઘમઘી છે. કવિતામાં ગ્રામપરિસર, લોકલય, લોકઢાળ, અને તળબોલીના શબ્દો, ઢાળનું ભાવવાહી માધુર્ય, સુગમ, સરળ, અને સચોટ નાયિકાનાં ભાવસૌંદર્યનો સ્પર્શ, ભાવોની ભાતીગળ ભાતનો ચંદરવો રચ્યો છે; નારીચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્યક્તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતાં એમનાં તત્ત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમનાં કાવ્યસર્જનનાં મુખ્ય પરિમાણો છે.

વિનોદ જોશી પાસેથી ‘સૉનેટ’ (1984), ‘અભિપ્રેત’ (1986), ‘અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્મય’ (1988), ‘ઉદ્‌ગીવ’ (1995), ‘નિવેશ’ (1995), ‘રેડિયો નાટક : સ્વરૂપ અને સિદ્ધાંત’ (1986), ‘વિશાદ’ (2018), ‘નિર્વિવાદ’ (2018), ‘કવાયત’ (2018) નામક વિવેચનનાં પુસ્તક. ‘નીરક્ષીર’ (1984), ‘રેડિયો નાટક’ (1991), ‘સાહિત્યનો આસ્વાદ’ (1992), ‘રાસતરંગિણી’ (1995) ‘કિસ્મત કુરેશીની 50 ગઝલ’ (1998), ‘આજ અંધાર ખુશ્બુભર્યો લાગતો’ (પ્રહ્લાદ પારેખની કવિતાઓ, 2002), ‘કાવ્યચયન’ (2006), ‘વિજયરાય વૈદ્ય સ્મારક ગ્રંથ’, ‘વિરાટના પાનાથર’ (જગદીપ વીરાણીની કવિતાઓ, 2016), ‘આહુતિ’ (મોરારિબાપુ સંબંધિત, 2017), ‘જગદીપ વીરાનીની કાવ્યસૃષ્ટિ’ (2019) આદિ સંપાદન પુસ્તક આપ્યાં છે. 2018માં ‘હવાની હવેલી’, ‘હથેળીમાં હસ્તાક્ષર’, ‘સગપણના સરવાળા’, ‘મોતી સેવવાં લાખનાં’, ‘અજવાળાની આરતી’, ‘ખોબામાં જીવતર’ આદિ કલ્પનોત્થ ટૂંકીવાર્તા સંચય છે.

તેઓ ‘પરંતુ’ કાવ્યસંગ્રહ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર (1984-85), ‘ઝાલર વાગે ઝૂઠડી’ માટે ક્રિટિક્સ એવૉર્ડ અને ઉમાશંકર જોશી એવૉર્ડ (1986), વિવેચનપુસ્તક ‘નિવેશ’ (1994)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (2011), કવીશ્વર દલપરામ એવૉર્ડ (2013), રાષ્ટ્રીય કલાકેન્દ્ર પુરસ્કાર (2014), સાહિત્ય ગૌરવ પુરસ્કાર (2015), ગુજરાત કલારત્ન એવૉર્ડ (2016), ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા સમર્પણ સન્માન (2018), 25મો નરસિંહ મહેતા પુરસ્કાર (2018), કલાપી પુરસ્કાર (2018), નર્મદ સુવર્ણ ચંદ્રક (2022)ના પ્રાપ્તકર્તા છે તેમ જ આઇ.એન.ટી. દ્વારા અપાતા કલાપી એવૉર્ડથી પણ સન્માનિત થયા છે. એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્યા, ઇંગ્લૅન્ડ, અમેરિકા, યુએઇ, થાઈલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, મોરેશિયસ, કૅનેડા, વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્યના પ્રતિનિધિ તરીકે કે નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમનાં કાવ્યો મોટા ભાગના સંગીતકલાકારો દ્વારા સ્વરબદ્ધ થઈ ગવાયાં છે અને ખૂબ લોકપ્રિય થયાં છે.