તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭ના રોજ ડાકોરમાં મધ્યમ બ્રાહ્મણ કુટુંબમાં બાપાલાલ અને સાવિત્રીબેનને ત્યાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વલસાડમાં અને માધ્યમિક શિક્ષણ ડાકોરમાં લીધું. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને મુંબઈની જ વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે ૧૯૪૭માં વિનયન સ્નાતક તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાત મુખ્ય વિષય સાથે અનુસ્નાતક, ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૉલેજમાંથી બી.એડ., ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ., ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક, ૧૯૬૯ થી બાલાસિનોરની આર્ટસ-કૉમર્સ કૉલેજમાં આચાર્ય, ૧૯૮૭ થી નિવૃત્ત. તા. ૨૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ તેમનો દેહવિલય થયો.
તેઓ પ્રયોગશીલ અને પ્રતીકાત્મક કાવ્યોનાં કવિ, તટસ્થ વિવેચક અને અભ્યાસુ સંપાદક રહ્યા છે : ‘નંદિતા’ (૧૯૬૦) શીર્ષકથી કાવ્યસંગ્રહ, નાટકના મર્મજ્ઞ એવા આ સર્જકે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા ૫રથી રેડિયો અને રંગમંચ પર રજૂ થયેલા નાટકો અને ગુજરાતી ટેલિફિલ્મમાં નાટ્યલેખન કાર્ય, ‘સ્પૉટ લાઇટ’(૧૯૯૯) નામે એકાંકીસંગ્રહ તેમજ ‘માયાલોક’ (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫), ‘ગુજરાતી નાટકનું ગદ્ય’ (૧૯૬૭), ‘નાટયાનુભૂતિ’, ‘રંગલોક’ (૧૯૮૭), ‘યજ્ઞશેષ’ આદિ વિવેચન પુસ્તક આપ્યાં છે.
‘જયંતી દલાલનાં એકાંકી’ (બકુલ ત્રિપાઠી અને રઘુવીર ચૌધરી સાથે), ‘મેઘાણી અધ્યયનગ્રંથ’ તથા ‘આપણો ધર્મ’ (યશવંત શુક્લ અને ધીરુ પરીખની સાથે), પ્રેમાનંદ તથા નરસિંહ કૃત ‘સુદામાચરિત’ (૧૯૬૬, સોમાભાઈ પટેલ અને હેમંત દેસાઈ સાથે) અને પ્રેમાનંદ ભટ્ટકૃત ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૮, સોમાભાઈ પટેલ અને હેમંત દેસાઈ સાથે), ‘ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૮૩), ‘સુવર્ણ કેસૂડાં-એકાંકી’ (૧૯૮૪), ‘શિવકુમાર જોષીનાં એકાંકી’ (૧૯૮૭) અને ‘એકાંકી સંચય’ (૧૯૯૪), ‘અનન્ત એકાંતે’ (૧૯૯૫) અને ‘પૂર્વાલાપ’, ‘બારાડીનાં ત્રણ નાટકો’, એમનાં આગવાં સંપાદનો છે. વગેરે એમનાં સંપાદનો છે.
એમના ‘સ્પૉટ લાઇટ’(૧૯૯૯)ને ૧૯૯૮-૯૯નું ગુજરાત સાહિત્ય અકાદમીનું ઉત્તમ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ પારિતોષિક એનાયત થયેલ છે.