ગુજરાતી કવિ તથા વાર્તાકાર. તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અનુક્રમે મુંબઈ અને જામખંભાળિયામાં થયું હતું. તેઓ વ્યવસાય માટે મુંબઈ ગયા અને ‘બે ઘડી મોજ’માં જોડાયા. ત્યાર બાદ 1932થી 1942 દરમિયાન અમદાવાદના દૈનિક ‘પ્રભાત’ તથા ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં પ્રૂફરીડિંગનું કાર્ય કર્યું. તેમણે 1942ની સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈ દસ માસ જેલવાસ પણ ભોગવ્યો હતો. 1944થી 1949 સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે અને પછી મુંબઈના ‘જન્મભૂમિ’ દૈનિકમાં છેવટ સુધી સેવા આપી હતી.
એમણે કાવ્ય અને વાર્તા – એ બે સાહિત્યસ્વરૂપો ખેડ્યાં છે; સવિશેષ અર્પણ કાવ્યક્ષેત્રે. ‘સિંજારવ’ (1955), ‘ગુલઝારે શાયરી’ (1961), ‘દીપ્તિ’ (1966), અને ‘આચમન’ (1975) – એ એમના કાવ્યસંગ્રહોમાં ગીત, ગઝલ, ભજન, મુક્તક, અને સૉનેટ તેમ જ કેટલીક દીર્ઘરચનાઓના પ્રકારોમાં એમણે સર્જન કર્યું છે. તેમનાં ગીતો અને ભજનો ગુજરાતી લોક તથા સાહિત્યસમાજમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતાં.
‘ઝરમર’, ‘નાનકડી નારનો મેળો’ જેવાં ગીતો; ‘નયણાં’, ‘સુખડ અને બાવળ’ તેમ જ ‘અમલકટોરી’ જેવાં ભજનો સુખ્યાત છે.
‘જન્મભૂમિ’માં એમણે ‘આખા ભગત’ના ઉપનામથી તત્કાલીન પ્રસંગોની છબી ઝીલતી ‘ગોફણગીતા’ની કટાક્ષરચનાઓ લાંબા સમય સુધી લખી હતી. કેટલાંક પ્રાચીન–અર્વાચીન કાવ્યોના પોતાની રીતે આસ્વાદો પણ એમણે કરાવેલા, જે ‘કાવ્યપ્રયાગ’ (1978)માં ગ્રંથસ્થ થયા છે.
‘અત્તરના દીવા’ (1952), ‘વાંસનું વન’, અને ‘સેતુ’માં એમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે.
પત્રકાર તરીકે એમણે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ફિલ્મ, નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનાં એમનાં અવલોકન એ સમયે સહુનું ધ્યાન ખેંચી રહેતાં હતાં.
ઉમાશંકર જોશી તેમને બંદો બદામી કહેતા હતા. કવિ બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર હતા. ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’નાં બધાં ગીતો તેમનાં લખેલાં છે. આ ઉપરાંત ‘ડાકુરાણી ગંગા’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘બહુરૂપી’, ‘ગજરા મારુ’, ‘ધરતીના છોરું’, ‘ઘરસંસાર’, વગેરે ચલચિત્રમાં પણ તેઓએ ગીતો લખ્યાં હતાં. તેમણે લખેલું ‘તારી આંખનો અફીણી’ ગીત અત્યંત લોકપ્રિય બન્યું.