Vasto Vishwambhar Profile & Biography | RekhtaGujarati

વસ્તો વિશ્વંભર

જ્ઞાનમાર્ગી કવિ

  • favroite
  • share
  • 18મી સદી ઉત્તરાર્ધ

વસ્તો વિશ્વંભરનો પરિચય

  • જન્મ -
    18મી સદી ઉત્તરાર્ધ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિ. સમય ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ. ખંભાતની પાસે આવેલા સકરપુરના વતની. તેઓ રામાનન્દી સંત અમરદાસજીના શિષ્ય વિશ્વંભરદાસના શિષ્ય તથા જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ હોવાની સંભાવના છે. સકરપુરમાં રહેતા ખારવા જ્ઞાતિના લોકો હજી તેમના સમાધિસ્થાનની પૂજા કરે છે એવું કહેવાય છે. કવિની એક કૃતિ પરથી મળતા સંદર્ભ પરથી કવિ ઈ.૧૭૮૬માં અવસાન પામ્યા હશે એવો તર્ક કરવામાં આવ્યો છે. કવિને અખાની શિષ્યપરંપરા સાથે કંઈ સંબંધ હતો કે નહીં તે નિશ્ચિતપણે કહી શકાય એવું નથી.

 

જ્ઞાનમાર્ગી કાવ્યપરંપરાનો વિશેષ પ્રભાવ ઝીલતા આ કવિએ અન્ય ઘણા જ્ઞાનમાર્ગી કવિઓની જેમ પ્રેમલક્ષણા ભક્તિની કવિતા પણ રચી છે. સાખીની ૪૨૭ કડીમાં રચાયેલી ૮ અધ્યાયની ‘વસ્તુ-ગીતા’ કવિના અદ્વૈતવિચારને સમજવા માટે મહત્ત્વની કૃતિ છે. ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ પૈકી ચોપાઈની ૫૦૭ કડી ને ૧૦ કડવાંની ‘વસ્તુવિલાસ’ (રચના ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, અધિક વૈશાખ વદ ૧૧) તથા પોતાના પ્રગુરુ અમરદાસજીના નામને સાંકળીને રચાયેલી ૭ ગોલાંટ ને ૭૦૬/૭૧૫ સાખીની ‘અમરપુરી-ગીતા’ (રચના ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, જેઠ વદ ૬, ગુરુવાર)માં જીવને સંસારના બંધનમાંથી કેમ મુક્ત થવું તેનો માર્ગ સમજાવ્યો છે. ‘ગુરુવંદન કો’, ‘મિથ્યાજ્ઞાની કો’, ‘આત્મજ્ઞાન કો’ વગેરે ૮૮ અંગોમાં વહેંચાયેલી ને વ્રજમિશ્રિત ગુજરાતીમાં રચાયેલી ૨૬૪૧ સાખીઓ (રચના ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, ફાગણ વદ ૨, શનિવાર)માં પણ કવિ અનેક દૃષ્ટાંતો દ્વારા દેહના અભિમાનથી મુક્ત થઈ બ્રહ્મભાવ અનુભવવાનો બોધ આપે છે. જીવ-ઈશ્વર-બ્રહ્મના અભેદને વ્યક્ત કરતો ‘કક્કો’ (રચના ઈ.૧૭૮૬/સં.૧૮૪૨, આસો સુદ ૬, ગુરુવાર), મનુષ્યજીવનની ક્ષણભંગુરતા બતાવી ઈશ્વર-સ્મરણ કરવાનો બોધ આપતાં ‘ચેતામણી’નાં ૧૯ પદો, બ્રહ્માનુભવની અવસ્થાનું નિરૂપણ કરતા ૯-૯ કડીના (૮ કડી દુહાની અને છેલ્લી કડી સાખીની) ૧૦ ‘મંગલ્લ’ તથા વિવિધ રાગના નિર્દેશવાળાં ઘણાં પદો કવિની અન્ય જ્ઞાનમૂલક કૃતિઓ છે. દૃષ્ટાંતો ને લોકોકિતઓનો ઉપયોગ કરતી એમની વાણી ધાર્યું લક્ષ્ય વીંધવામાં વખતોવખત સફળ નીવડે છે.

 

દાણલીલા ને તિથિ, માસ (એકની રચના ઈ.૧૭૭૧/સં.૧૮૨૭), થાળ, ગરબી વગેરે સ્વરૂપે મળતાં પદો એમની પ્રેમલક્ષણા ભક્તિની રચનાઓ છે. ગોપીવિરહ ને કૃષ્ણગોપીની રાસક્રીડાને આલેખતાં એમનાં પદોમાં શૃંગારભાવ પ્રબળ છે અને સંયોગના આલેખનમાં એ ક્યારેક પ્રગલ્ભ પણ બને છે. ધ્રુવપંક્તિઓનો ઉપાડ, પદમાધુર્ય કે અભિવ્યક્તિવૈચિત્ર્યની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ આ પદોની દયારામની ગરબીઓ પર અસર હોવાની સંભાવના વ્યક્ત થઈ છે.