ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર વજ્ર માતરીનું આખું નામ વજીહુદ્દીન સઆદુદ્દીન અલવી. તેમનું મૂળ વતન ખેડા જિલ્લાનું માતર ગામ. 1 જાન્યુઆરી, 1931ના રોજ જન્મેલા વજ્ર માતરીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેઓ કવિતા અને પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા રહ્યા. વર્ષ 1981-82માં તેમને પત્રકારત્વ માટે અનુક્રમે ‘મુનશી પ્રેમચંદ નેશનલ ઍવૉર્ડ’ અને ‘ઓલ ઇન્ડિયા સ્ટેટ્સમૅન ઍવૉર્ડ’ મળેલા. તેમનું અવસાન 24 નવેમ્બર, 1991માં થયું હતું.
વજ્ર માતરીનો નઝમસંગ્રહ ‘અવહેલના’ (1979) સુંદર છે. તેની નઝમોએ ગુજરાતી કવિતામાં આઝાદ નઝમનો નવો ચીલોચાતર્યો હતો. સંસ્કૃત ભાષાની કવિતાઓમાં જેમ ભાવ જળવાઈ રહે છે, તેમ આઝાદ નઝમો મુક્ત છંદના ઉપયોગને કારણે ઘણી અસરકારક રહી હતી. ‘વજ્ર’ની ગઝલોમાં કઠોર જીવનની વાસ્તવિકતાઓની સાથે માનવીની સંવેદનાની રજૂઆત અસરકારક રીતે થઈ છે.
‘સરગમ’ (1973), ‘કાળરાત્રિની ધૂણતી ભૂતાવળ’ (1975), ‘મને ગામ જડ્યું ગોકુળિયું’ (1981) વગેરે તેમણે લખેલી વૃત્તવાર્તાઓ છે.
‘ઊંડા કૂવા ને ટૂંકાં દોરડાં’ (1979), ‘કાંટે કોટે ગુલાબ’ (1981), ‘અંગારપથ’ (1990) અને ‘ડેલી ઉઘાડી, નોધારા મોભ’ (1990) તેમની નવલકથાઓ છે.
ડૉ. ઠાકોરભાઈ પટેલની જીવનકથા ‘ધુમ્મસને પેલે પાર’ તેમણે લખી છે. રશીદ મીરના કહેવા અનુસાર ‘વજ્ર’ માતરીનાં મુક્તકો પણ ભાવની સઘન અને ચોટપૂર્ણ છતાં તરલ અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય નીવડ્યાં છે.