વજેસિંહ પારગીનો જન્મ આદિવાસી ભીલ જાતિના ખેતમજૂર દંપતી ચિસકાભાઈના ઘરે ચતુરાબહેનને ખોળે દાહોદની અંજુમન હૈદરી ઍન્ડ હુસેની ચેરિટેબલ હૉસ્પિટલમાં તા. 24 એપ્રિલ 1963ના રોજ થયો. દાહોદ જિલ્લાનું ઈટાવા ગામ તેમનું મૂળ વતન. કુમાર પ્રાથમિક શાળા, કઠલા (તા. દાહોદ)માંથી પ્રાથમિક શિક્ષણ, 1979માં ભીલ સેવા મંડળ સંચાલિત હાઇસ્કૂલમાંથી એસ. એસ. સી., આર. એલ. પંડ્યા હાઇસ્કૂલ દાહોદમાંથી એચ. એસ. સી., 1981માં નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ-દાહોદમાંથી બી.એ અને 1986માં બી.એડ્. ગોધરા ઍજ્યુકેશન કૉલેજમાંથી બી. એડ. થયા. મોઢા પર ગંભીર ઈજાઓ થવાથી વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ બોલી શકાય તેમ નહોતું, તેથી શિક્ષક કે અધ્યાપક થવાને બદલે આજીવિકા માટે શરૂઆતમાં છૂટક મજૂરી કરી. પછી મંજુલાબહેન ત્રિવેદીની ભલામણથી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં ઇન્વેસ્ટિગેટરની કામચલાઉ નોકરી મળી. આ કારણસર અમદાવાદમાં આવવાનું થયું. થોડોક સમય સ્પિપામાં પણ કામ કર્યું. ત્યાર બાદ ભૂતપૂર્વ નાયબ માહિતી નિયામક મનસુખ વાઘેલાની ભલામણથી ‘સમભાવ’ દૈનિકમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. નવજીવન મુદ્રણાલય અમદાવાદમાં પ્રૂફરીડિંગનું કામ પણ કર્યું.
તેમની પાસેથી 'આગિયાનું અજવાળું' (2019, સો લઘુકાવ્યોનો સંગ્રહ) તેમજ ‘ઝાકળનાં મોતી’ (2022, 156 લઘુકાવ્યો), ‘ડાગળે દીવો’(મરણોત્તર) આદિ કાવ્યસંગ્રહ મળે છે. 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સાઠ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.