ઉષા ઉપાધ્યાયનો જન્મ 7 જૂન, 1956ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે એમ.એ. ગુજરાતી વિષય સાથે પૂર્ણ કર્યું અને બાદમાં પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી હતી. તેમણે અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કર્યું. તેઓ ગુજરાતી લેખક મંડળનાં ઉપપ્રમુખ પણ છે. ઉષા ઉપાધ્યાયની અનેક કવિતાઓનો બંગાળી, કન્નડ, હિંદી, સંસ્કૃત અને અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
'જળ બિલ્લોરી' (1998), 'અરુંધતીનો તારો' (2006) અને 'શ્યામ પંખી આવ આવ' (2013) તેમનાં કાવ્યસંગ્રહો છે. 'વાદળી સરોવર' એકાંકી 1999માં અને 'મસ્તીખોર મનિયો' એકાંકી 2004માં તેમણે આપ્યા હતા. 'એક હતી રૂપા' (1999) તેમની બાળવાર્તા છે. 'ઇક્ષિત’ (1990), ‘સાહિત્ય સંનિધિ’ (1998), ‘આલોકપર્વ’ (2005), ‘સાંપ્રત ગુજરાતી સાહિત્ય’ (2008), ‘અક્ષરને અજવાળે’ (2009) અને ‘ગુજરાતી સંશોધન-સંપાદન’ (2009) તેમના વિવેચનગ્રંથો છે. તેમણે સંપાદન કરેલા ગ્રંથોમાં ‘અધીત’ (ભાગ : 15થી 18, 1992થી 1995), ‘જ્હાનવી સ્મૃતિ’ (ભાગ 2-3, 1996-97), ‘ગુજરાતી ચયન’ (1999 અને 2000), ‘સર્જન પ્રક્રિયા અને નારીચેતના’ (2006), ‘ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ’ (નારી સપ્તક શ્રેણી), ‘ગુજરાતી લેખિકાઓના પ્રતિનિધિ નિબંધો’, ‘માતૃભાષાનું મહિમાગાન’ (2010) અને ‘ઊર્મિકવિ ન્હાનાલાલ’ (2012)નો સમાવેશ થાય છે. તેમણે અનુવાદો પણ કર્યા છે. ‘વાદળી સરોવર’ (1999) અને ‘કવિવર રાજેન્દ્ર શાહ ઔર ઉનકી કવિતા’ તેમનાં અનુવાદિત પુસ્તકો છે. ‘ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ’ (2006), ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’ (2007) અને ‘રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા’ (2007) તેમણે લખેલા નિબંધો છે. ગુજરાતી સાહિત્ય પરિષદે તેમને ‘બટુભાઈ ઉમરવાડિયા સન્માન’થી નવાજ્યાં છે. ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન દ્વારા તેમને ‘ભગિની નિવેદિતા પ્રાઇઝ’ અને ‘સૌહાર્દ સન્માન પુરસ્કાર’થી સન્માનિત કર્યાં છે.