રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઉમાશંકર જોશીનો પરિચય
- ઉપનામ - વાસુકિ, શ્રવણ
-
જન્મ -21 જુલાઈ 1911
ગુજરાતીના તથા ભારતના અગ્રગણ્ય કવિ. તેઓ સક્ષમ એકાંકીકાર, વાર્તાકાર, વિવેચક તથા નિબંધકાર હતા. મૂળ લુસડિયા ગામના પણ બામણા આવીને રહેલા જેઠાલાલ કમળજી જોશી તથા નવલબહેન ભાઈશંકર ઠાકરનાં 9 સંતાનો પૈકીના ત્રીજા ક્રમે. બામણામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ. ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધીનો અભ્યાસ તેમણે કર્યો. 1928માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા ગુજરાત કૉલેજમાં ઉચ્ચાભ્યાસ કર્યો. 1931ના છેલ્લા છએક મહિના વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી પણ બન્યા અને 1934 સુધી સત્યાગ્રહની લડતમાં રહ્યા. 1936માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. તથા 1938માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. થયા. 1936માં મુંબઈની વિલે પાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી 1938માં સિડનહામ કૉલેજમાં વ્યાખ્યાતા. 1946 સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. 1947માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. 1953 સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. 1966થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. 1979-81 દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના કુલપતિ. 1970-76 દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ.
1957માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. 1968માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના 24મા અધિવેશનના પ્રમુખ. 1978માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. 1952માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, 1956માં અમેરિકાનો તેમ જ યુરોપનો, 1957માં જાપાનનો અને 1961માં રશિયાનો પ્રવાસ. 1939માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1944માં મહીડા પારિતોષિક, 1947માં નર્મદ સુવર્ણચંદ્રક, 1965માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, 1973માં સાહિત્ય અકાદમી પારિતોષિક, 1968માં કન્નડ કવિ કે.વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. 1979માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. 1982માં કુમારન્, આશાન પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.
ગાંધીયુગીન આ મોટા ગજાના સાહિત્યકાર પાસેથી આપણને તત્કાલીન ચેતનાનું અતિશય તટસ્થ અને ઇંદ્રિયગમ્ય સાહિત્ય મળે છે. ગાંધીચેતનાની ભાવોત્કટ પ્રતિબદ્ધતા, આધુનિક વાયરાની અડફેટે આવી ગયેલી દ્વિતીય વિશ્વયુદ્ધપ્રેરિત અસ્તિત્વવાદી અસ્થિરતા સુધી આ આપણા મોટા કવિ–સાહિત્યકારની પહોંચ છે. મનુષ્યના આંતરબાહ્ય કલાસંદર્ભોને માનવીય, આત્મીય સ્તરે ઉકેલવાનો તેમનો કાવ્યોદ્દેશ રહ્યો છે. આ વલણ તેમના સાહિત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી આપે છે.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વિશ્વશાંતિ’ 1931માં પ્રકાશિત થયો હતો, જે 6 ખંડોમાં વહેંચાયેલો છે. પ્રેમ જેવા જીવનના નિયામક બળની વારંવાર પુષ્ટિ આ સંગ્રહમાંથી થાય છે. ‘ગંગોત્રી’(1934)માં તત્કાલીન ગુજરાતનું સાદૃશ ચિત્રણ છે, સમાજાભિમુખતાની સાથે સાથે વાસ્તવાભિમુખ દૃષ્ટિ આ સંગ્રહને નોખી અને સંમિલિત ભાત બક્ષે છે. ‘નિશીથ’(1939)થી કવિની ઊર્ધ્વગતિ થાય છે, જેમાં તત્કાલીન આવશ્યકતાઓને અતિક્રમી જીવનાદર્શો તથા મૂલ્યો પર તેમની કવિદૃષ્ટિ વિરામ પામી છે. તેમના ચોથા સંગ્રહ ‘પ્રાચીના’ (1944) બાબતે વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે કે, “આ કાવ્યસંગ્રહ ‘ત્રીજા અવાજ’ તરફ વળેલો છે. એટલે કાવ્યના નાટ્યરૂપનો શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાનો સંઘર્ષ રહસ્યદોરથી અવલંબિત છે. પ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીક્ષ્ણતા અને વેગને ઉપસાવવામાં ક્યાંક કારગત નીવડ્યું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું મુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યક્તિજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાનો આ પુરુષાર્થ પ્રગલ્ભ છે.”
આ ઉપરાંત, તેમના અન્ય કાવ્યસંગ્રહો ‘આતિથ્ય’ (1946), ‘વસંતવર્ષા’ (1954), ‘મહાપ્રસ્થાન’ (1965), ‘અભિજ્ઞા’ (1967), ‘ધારાવસ્ત્ર’ (1981), ‘સપ્તપદી’ (1981) આપણને મળે છે. 1981માં તેમનો સમગ્ર કવિતાનો સંગ્રહ ‘સમગ્ર કવિતા’ નામે સુલભ થયો છે.
ઉમાશંકર પાસેથી આપણને સુઘડ એકાંકીઓ પણ મળ્યાં છે. તેમના પ્રથમ એકાંકીસંગ્રહ ‘સાપના ભારા’(1936)માં અગિયાર એકાંકીઓ છે, જેમાં તેમના વતન ઈડર કે જેમાં તેમનું ઘડતર થયું, કેળવણી થઈ, તે પ્રદેશની બોલી અને ગ્રામીણ વિસ્તારનું ગૂંથણ થયું છે, કે જેનું સિંચન તેમના માનસક્યારામાં બાળપણમાં જ થયું હતું. આ સંગ્રહનાં મહત્ત્વનાં એકાંકીઓ ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’ છે. તેમના બીજા એકાંકીસંગ્રહ ‘શહીદ’(1951)માં બીજાં અગિયાર એકાંકીઓ છે. આ બધાં જ એકાંકીઓને સમાવીને તથા અન્ય બે મૌલિક, એક અનૂદિત એકાંકી ઉમેરીને તેમનો સમગ્ર એકાંકીસંગ્રહ ‘હવેલી’ 1977માં મળે છે.
ટૂંકીવાર્તા આપણા આ સમર્થ સાહિત્યકારને પોતાના વતનની ભાષા, અનુભવો અને પારલૌકિક પાસાંઓને અલગ રીતે ગૂંથવાની, ઉઘાડવાની તથા સંચિત કરવાની તક આપે છે. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’(1937)માં પ્રગટેલી ‘પગલીનો પાડનાર’, ‘છેલ્લું છાણું’, ‘મારી ચંપાનો વર’ જેવી વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ છે. આ ઉપરાંત, અન્ય બે સંગ્રહો ‘ત્રણ અર્ધું બે’ (1938) અને ‘અંતરાય’ (1947) આપણને મળે છે. આ સમગ્ર વાર્તાઓમાંથી ચૂંટીને કુલ 22 વાર્તાઓનો વિશિષ્ટ સંગ્રહ ‘વિસામો’ (1959) મળે છે.
‘પારકાં જણ્યાં’ (1940) તેમની એકમાત્ર નવલકથા છે, જેમાં ત્રણ પેઢીની વિસ્તૃત કથાને આવરી લેવામાં આવી છે. ‘હૃદયમાં પડેલી છબીઓ’(1977)ના બે ખંડો તેમણે લખેલાં વ્યક્તિચિત્રો છે. ‘ઈસામુશિદા અને અન્ય’ (1976) દેશપ્રદેશના દિવંગત વ્યક્તિઓ વિશેના ચરિત્રલેખો છે તથા ‘ગાંધીકથા’ પણ ચરિત્રકથા છે.
આ પ્રત્યેક કવિતેય સ્વરૂપોથી દૂર, વાસ્તવિક ગદ્યની ભોંય આપણા આ મૂર્ધન્ય સાહિત્યકારે નિબંધના સ્વરૂપમાં ભાંગી છે. તેમાં રહેલો નિતાંત નિરાંતનો ભાવ અને વિસ્તૃત વિષયો પરની ચિંતનાત્મક માંડણી આસ્વાદ્ય છે. ‘ગોષ્ઠિ’(1951)માં બાવીસ નિબંધો છે તથા ‘ઉઘાડી બારી’(1959)માં ‘સંસ્કૃતિ’માં લખાયેલા લેખોમાંથી ચયન કરેલા કુલ એકાણું લેખોનો સંચય છે.
આપણા આ અભ્યાસુ, જિજ્ઞાસુ સાહિત્યકાર પાસેથી આપણને વિવેચનનાં પુસ્તકો પણ મળે છે, એ વાત આશ્ચર્યજનક નથી. તેમની સમતોલ સૌંદર્યદૃષ્ટિ તથા ઊંડે ઊતરી જતી સૂઝ, વાચકના ઓછા ઊજળા અંતરમનમાં શાંત, ઠરેલું, તીવ્ર અજવાળું કરી જાય છે. તેમના વિવેચનના ગ્રંથો વિશેની માહિતી આપતાં ચન્દ્રકાન્ત ટોપીવાળા લખે છે, “અખા અંગેનો તેજસ્વી અભ્યાસ આપતો ‘અખો એક અધ્યયન’ (1941), ભાવકના છેડેથી સમુચિત ચિંતા કરતો ‘સમસંવેદન’ (1948), મહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ–રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતો ‘અભિરુચિ’ (1959), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણો આપતો ‘શૈલી અને સ્વરૂપ’ (1960), મહત્ત્વની કૃતિઓની વિસ્તૃત આલોચના આપતો ‘નિરીક્ષા’ (1960), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણો આપતો ‘કવિની સાધના’ (1961), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપતો ‘શ્રી અને સૌરભ’ (1963), પરિચયાત્મક આલેખ આપતો ‘શેક્સપિયર’ (1964), કર્તાઓ અને કૃતિઓ તેમ જ સાહિત્યિક વિગતો પર પ્રકાશ પાડતા લઘુલેખો આપતો ‘પ્રતિશબ્દ’ (1967), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’ (1971), ગુજરાતી તેમ જ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલેખો આપતો ‘કવિની શ્રદ્ધા’ (1972), પ્રાર્થનાકાવ્યોનો આસ્વાદ આપતો ‘નિશ્ચેના મહેલમાં’ (1986) વગેરે એમના વિવેચનગ્રંથો છે.”
એમના સંશોધન–સંપાદનના ગ્રંથોમાં ‘કલાન્ત કવિ’ (1942), ‘અખાના છપ્પા’ (1953), ‘મ્હારાં સૉનેટ’ (1962), ‘દશમસ્કંધ - 1’ (અન્ય સાથે, 1966), ‘અખેગીતા’ (અન્ય સાથે, 1937), ‘કાવ્યતત્ત્વવિચાર’ (અન્ય, સાથે 1940), ‘વિચારમાધુરી’ (અન્ય, સાથે 1946), ‘દિગ્દર્શન’ (અન્ય સાથે, 1942), આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારકગ્રંથ (અન્ય સાથે, 1944), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (અન્ય, સાથે 1961), ‘મડિયાનું મનોરાજ્ય’(1970)નો સમાવેશ થાય છે.
‘પુરાણોમાં ગુજરાત’ (1946), ‘સમયરંગ’ (1963), ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’ (1976), ‘ઓગણીસસો એકત્રીસમાં ડોકિયું’ (1977), ‘કેળવણીનો કીમિયો’ (1977) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે. એમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પોલાંડ’ (1939), ‘ઉત્તરરામચરિત’ (1950), ‘શાકુન્તલ’ (1955), ‘એકોત્તર શતી’ (અન્ય સાથે, 1963) મુખ્ય છે.