Ujamshi Parmar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊજમશી પરમાર

કવિ અને વાર્તાકાર

  • favroite
  • share

ઊજમશી પરમારનો પરિચય

ઊજમશી પરમારનો જન્મ લીંબડી ખાતે 11 જૂન, 1943ના રોજ થયો હતો. તેમણે 1960માં એસ. એસ. સી.ની પરીક્ષા પાસ કરીને 1964માં ડ્રૉઇંગ ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો. ત્યાર બાદ તેઓએ 1965થી 1997 સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક સ્થળોએ ટ્રેસરથી શરૂ કરી ડ્રાફ્ટ્સમૅન સુધીની સરકારી નોકરીઓ કરી. ઊજમશી પરમારને સાહિત્ય ઉપરાંત ચિત્રકળા, ભીંતશિલ્પો, માટીકામ, ભરતકામ જેવા વિષયોમાં પણ રસ હતો. મોટાભાઈ બળદેવભાઈ ખૂબ તેજસ્વી હોવાથી તેમને સારી સાહિત્યકૃતિઓ પણ વાંચવા મળી. જીવનમાં આવેલા વિવિધ પ્રસંગો પર તેમણે તરુણાવસ્થાથી વાર્તાઓ લખવાની શરૂ કરી હતી. હરિકૃષ્ણ પાઠકની પ્રેરણાને કારણે તેઓ કવિ પણ બન્યા. તેમનું અવસાન 8 જાન્યુઆરી, 2018ના રોજ થયું હતું.

ઊજમશી પરમારના સાહિત્યસર્જનની શરૂઆત ટૂંકી વાર્તાઓથી થાય છે. ઊજમશી પરમારનો પહેલો વાર્તાસંગ્રહ ‘ઊંચી જાર નીચાં માનવી’ 1975માં પ્રકાશિત થયો. જેને ગુજરાત સરકારનું દ્વિતીય પારિતોષિક મળ્યું. આ વાર્તાસંગ્રહે તેમને પ્રતિષ્ઠા અપાવી હતી.

1984માં પ્રકાશિત થયેલા તેમના ‘ટેટ્રાપોડ’નામના વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ‘પટારો’ (1998) અને ‘લાખમાંથી એક ચહેરો’ (2009) વગેરે તેમના વાર્તાસંગ્રહ છે. તેમના ચારેય વાર્તાસંગ્રહના કેન્દ્રમાં ગામડું છે. ગામડાંનાં માણસોની સંવેદનાઓને તેમણે રજૂ કરી છે. તેમની વાર્તાઓમાં તળપ્રદેશના જીવનવ્યવહાર, ત્યાંનું વાતાવરણ અને ત્યાંની ભાષા આબેહૂબ ઝિલાયાં છે.

‘મેહની ધારે’, ‘ચોકી એક શબની’, ‘વેવલી’, ‘મૃત્યુ’ વગેરે વાર્તાઓ સુંદર છે. ‘ટેટ્રાપોડ’ સંગ્રહની ‘તળાવમાં તરતા થાપા’, ‘તિખારા’, ‘ચારેકોર ચકામાં’ વાર્તામાં અતૃપ્ત સ્ત્રીહૃદયની મનોવ્યથાને વર્ણવી છે જે ધ્યાનાકર્ષક છે. ‘પટારો’ સંગ્રહની ‘રાતે ઊગ્યા દિવસે’, ‘ભેલાણ’, ‘પટારો’ અને ‘ખાલી કાગળિયાં જેવું જીવતર’માં સ્ત્રી-પુરુષ સંબંધો પર વાત કરી છે.

ઊજમશી પરમારનો ‘ઘટમાં ઝાલર બાજે’ નામનો ગીતસંગ્રહ 2003માં પ્રકાશિત થયો હતો. આ ગીતસંગ્રહ છે. તેમણે લખેલાં 84 ગીતોમાં પ્રેમ, વતન, પરિવારના સભ્યો, ભૂતકાળની યાદો, ગામડાંની યાદો અને પ્રકૃતિનું સુંદર નિરૂપણ થયું છે. ઊજમશી પરમારની ગીતકવિતામાં વિષયોના વૈવિધ્ય કરતાં વિષય-નિરૂપણમાં અને ભાવનિરૂપણમાં નવીનતા તેમ જ તાજગી છે. ઊજમશી પરમારે ‘જન્મારો’ નામની નવલકથા 2013માં લખી હતી. આ ઉપરાંત કે.પી. કેશવમેનનની આત્મકથા ‘અતીત કે દિન’નો ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો.