Udayan Thakkar Profile & Biography | RekhtaGujarati

ઉદયન ઠક્કર

અનુઆધુનિકયુગીન કવિ અને અનુવાદક

  • favroite
  • share

ઉદયન ઠક્કરનો પરિચય

કચ્છની ધરતી સાથે જેનાં કુળ અને મૂળ જોડાયેલાં છે એવા આ કવિ ઉદયન ઠક્કરનો જન્મ 28 ઑક્ટોબર, 1955ના દિવસે મુંબઈ ખાતે કરસનદાસ અને શાંતિબેનને ત્યાં થયો હતો. તેમના દાદા કચ્છના વતની હતા. તેમણે તેમના પ્રાથમિક શિક્ષણ દરમિયાન કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમણે મુંબઈની ધ ન્યૂ એરા સ્કૂલમાંથી એસ.એસ.સી. પૂર્ણ કરી સિડનહામ કૉલેજમાંથી બૅચલર ઑફ કૉમર્સની પદવી મેળવી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટની પદવીઓ પણ ધરાવે છે. 24 જેટલા દેશો અને ભારતનાં નગરોમાં કાવ્યપઠનના કાર્યક્રમો કર્યા છે. ઉપરાંત, ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ કારોબારીમાં માનાર્હ સભ્ય, મુંબઈની રામજી આશર વિદ્યાલયના ટ્રસ્ટી, poetryindia.comના તંત્રી રહ્યા છે.

ઉદયન ઠક્કર આધુનિક ગુજરાતી સાહિત્યધારાનું એક બળવાન નામ છે. ગુજરાતી સાહિત્યનદી સતત વહેણ બદલતી રહી છે. ભાવ-ભાષા, વિષય, સ્વરૂપ, ઘટકતત્ત્વો, કથનરીતિ, પ્રયુક્તિઓ, પ્રબંધન આદિમાં સતત નાવીન્યતા આવતી રહી છે. આધુનિકયુગમાં સુરેશ જોષી પછી આધુનિકતાવાદી કવિતાઓ લખાઈ, એમાં આ ધારા ખૂબ વિસ્તરી. આ જ ધારાનું એક આગવું સ્થિત્યંતર એટલે ઉદયન ઠક્કર.

સુરેશ દલાલ કહે છે : “ઉદયનની કવિતામાં નર્મ, મર્મ અને કટાક્ષનું પણ તત્ત્વ છે. કટાક્ષ એ પણ કડવાશ વિનાનો. ઉદયન શબ્દની પ્રયોગશાળામાં બેસીને વૈજ્ઞાનિકની ચીવટથી આત્મસંશોધન કરતો રહે છે.”

“એક બાજુ

માથામોઢ ઓઢીને ઈયળ પોઢણ કરે છે

પીઠે ઢાલ લઈને ગોકળગાય રણે ચડે છે...

... અને બીજી બાજુ

પેલી છોકરી ક્યારની

ગાલ પરના ખીલની ફિકર કરે છે.”

0

“અમૃતલાલ પુરાણાં પુસ્તકો વાંચતા જાય ને છીંકો ખાતા જાય

ડૉક્ટર કહે, ‘બુક ડસ્ટની એલર્જી છે!’

એટલે જૂનાં પુસ્તકો નહીં વાંચવાનાં? સાવ?

વાંચો ને તમતમારે, પણ ઝેરોક્સ કરાવીને.

હવે અમરતલાલ એ જ વાંચે છે : રમેશ પારેખની ઝેરોક્સ, કલાપીની ઝેરોક્સ...

હવે એમને છીંકો નથી આવતી

હવે એમને ઊબકા આવે છે.”

આગળ જણાવે છે કે, “એમનું સંશોધન સ્વથી શરૂ કરીને સમષ્ટિ સુધી પહોંચે એવું છે. ઉદયનભાઈની કવિતામાં નર્મ અને કટાક્ષનું પણ તત્ત્વ છે. કટાક્ષ એ પણ કડવાશ વિનાનો, ક્યારેક તમને ખડખડાટ હસાવી દે અને આંખોને ભીંજાવી પણ શકે છે. તો ક્યારેક એનો મોરપીંછની સુંવાળપ જેવો કટાક્ષ આપણા હોઠને ખૂણે સ્મિત પણ પ્રેરી શકે છે. આ કવિ ખતરાબાજ કે અખતરાબાજ નથી, પણ સાચા અર્થમાં પ્રયોગશીલ છે. એની કવિતામાં વિષયનું અને સ્વરૂપનું અપાર વૈવિધ્ય છે. એ પોતાની કવિતાનું પુનરાવર્તન થાય એવું કશું ઘૂંટતો નથી, પણ પોતાની સ્લેટને કોરી રાખીને ફરી ફરીથી નવેસરથી કવિતાનો ક સઘન અને ગહનપણે ઘૂંટે છે. બહુ ઓછા કવિઓ એવા છે કે જેમાં વિષય, આશય અને અભિવ્યક્તિ એકરસ થઈ જાય. પડઘાઓથી રમનારા અનેક કવિઓની વચ્ચે ઉદયનનો અવાજ કોઈ મશાલની જેમ નહિ પણ ચૈતન્યની ચિનગારીરૂપે પ્રગટે છે.”

‘એકાવન’ તેમની કવિતાઓનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો, જે 1987માં પ્રકાશિત થયો હતો, ત્યાર બાદ ‘સેલ્લારા’ (2003), ‘ઉદયન ઠક્કરનાં ચૂંટેલા કાવ્યો’ (2012) અને ‘રાવણહથ્થો’ પ્રકાશિત થયા. તેમની કવિતાઓનો જાપાની અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે અને એક પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

તેઓ 1974માં તેમની કૃતિ ‘કવિતા’ દ્વિમાસિક ગુજરાતી કવિતા જર્નલમાં પહેલી વખત પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ, તેમની કવિતાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘કવિલોક’, ‘એતદ્’, ‘સમીપે’, ‘ગઝલવિશ્વ’, અને ‘નવનીત સમર્પણ’ સહિત અનેક ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થઈ છે.

બાળસાહિત્યમાં તેમની કૃતિઓમાં ‘એન મિલાકે ટેન મિલાકે છૂ’, ‘તાક ધિના ધિન’ અને ‘હાક છીં હિપ્પો’ સામેલ છે.

તેમના આસ્વાદ પુસ્તક ‘જુગલબંધી’ની પ્રસ્તાવનામાં ર.પા. લખે છે કે, ઉદયન બહુશ્રુત છે, સ્મૃતિબળિયો છે અને કલમનો સ્વામી પણ છે, પરંતુ જ્યાં અને જ્યારે કહેવાનું આવે ત્યારે વિવેકપૂર્વક મિતાક્ષરી બની જાય છે. ને પોતાની શૈલીને લવચિક બનાવીને એવું કશું સુંદર અને અપૂર્વ કહી નાખે છે કે કાવ્યને, કવિને અને આસ્વાદકને પણ સલામ કર્યા વગર છૂટકો નહીં, આસ્વાદ લખતાં લખતાં ક્યારેક ઉદયનની ભીતરનો સાચુકલો કવિ પ્રબળતાથી કલમ દ્વારા સાદૃશ્ય થઈ આવે છે ત્યારે મજા પડી જાય છે. તે કશુંક એવું લખે છે કે તમને લઘુકાવ્ય માણ્યાની તૃપ્તિ થાય. ‘જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો’, ‘હસ્તધૂનન’, ‘હસ્તાક્ષર’, ‘આમંત્રણ’ ઇત્યાદિ અન્ય કાવ્યાસ્વાદક ગ્રંથોમાં કવિની ભાવયિત્રી આભા–પ્રતિભા ખીલતી અને ખૂલતી અનુભવાય છે. ગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ ‘અનુભૂતિ’ (સહસંપાદન) અને અંગ્રેજી અનુવાદ 'Duet of Trees' નામે પ્રકાશિત છે. જન્મભૂમિ અખબારમાં ઉદયનભાઈની કાવ્યાસ્વાદની કટાર અને ‘ગુજરાત સમાચાર’માં એમની વિશિષ્ટ સાહિત્યિક કટાર ‘વિન્ડો સીટ’ બહોળો લોકાદર મેળવી રહી છે.

તેમના કાવ્યસંગ્રહ ‘એકાવન’ (1987)ને 1987-88ના જયંત પાઠક કવિતા ઍવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો અને એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી દ્વારા પાઠ્યપુસ્તક તરીકે પણ આ પુસ્તક સૂચવવામાં આવ્યું હતું. તેમણે તેમના પુસ્તક ‘સેલ્લારા’ (2003) માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો ઉશનસ્ પુરસ્કાર (2002-03) જીત્યો. આ સાથે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા હરીન્દ્ર દવે મેમૉરિયલ ઍવૉર્ડ અને 2003નો સર્વોત્તમ પુસ્તક પુરસ્કાર પણ તેને મળ્યો છે. 2019માં, તેમને ભારતીય રાષ્ટ્રીય થિયેટર દ્વારા કલાપી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બાળસાહિત્યનાં 3 પુસ્તકોને એનસીઇઆરટીનો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર સાંપડેલ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષિક.

રમેશ પારેખ કવિતા સન્માન. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એન.સી.ઇ.આર.ટી.) દ્વારા આયોજિત 28મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં 1994-95માં સર્વોત્તમ પુસ્તકનું ઇનામ તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય ઍકડેમીનો જીવન ગૌરવ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.