'મસ્ત કવિ'ના નામથી ખ્યાતિ પામેલા ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદીએ પાંચમાં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતિ, અંગ્રેજી અને ફારસી સાહિત્યની સમજણ તેમણે પોતાના મિત્રોમાંથી કેળવી હતી. ગુજરાતના તળપદા ભજનોને પણ આત્મસાત્ કર્યા હતા. ‘વિભાવરીસ્વપ્ન’ (1894), ‘સ્વરૂપપુષ્પાંજલિ’ (1901) અને ‘કલાપીનો વિરહ’ (1913) આમ ત્રણ કાવ્યગ્રંથો તેમણે આપ્યા હતા. તેમની કવિતાઓમાં પ્રાચીન અને અર્વાચીન કાવ્યપ્રવાહોનો સમન્વય થતો જોવા મળે છે. એમની કવિતાઓમાં ફારસી કવિતાઓના મોહક રંગો પણ જોવા મળે છે. ત્રિભુવન પ્રેમશંકરની કવિતાઓમાં ભક્તિસંપ્રદાયની અસર કલાત્મક રીતે રજૂ થઈ છે. તેમાં પણ ગોરખ સંપ્રદાયની અસર કલાત્મક રીતે રજૂ થઈ છે.
'વિભાવરીસ્વપ્ન'માં તેમણે પ્રેમ વિશેની પોતાની ફિલસૂફીને સુંદર રીતે રજૂ કરી છે. તેમાં માત્રામેળ છંદનો મોહક રીતે ઉપયોગ કર્યો છે. આ કાવ્યગ્રંથમાં તેમના ચિત્રાત્મક વર્ણનો લખવાના કૌશલ્યનો અને સુરેખ કલ્પનાશીલતાનો પરિચય થાય છે. એમની બીજી કૃતિ ‘સ્વરૂપપુષ્પાંજલિ’માં 108 પદ અને ભજનોની માળા છે. જેમાં અલંકારની મદદથી ભજનોની મજબૂત રજૂઆત કરી છે. આ ભજનોમાં તેમના વેદોના ચિંતનને મોહક રીતે મૂક્યું છે.
‘કલાપીનો વિરહ’ ત્રિભુવન ત્રિવેદીનું એક કરુણપ્રશસ્તિકાવ્ય છે. જેમાં તેમણે કલાપીના વિરહની સંવેદનાને ભજનકાવ્ય તરીકે મૂક્યા છે. આ ભજનકાવ્યોમાં તત્ત્વચર્ચાને પણ વણી લીધી છે. તેમનો કલાપીપ્રેમ વિવિધ છટામાં રજૂ થયો છે. કવિતાઓમાં શાંત અને કરુણ બંને ભાવ જોવા મળે છે. તેઓ કવિતાઓમાં ગુજરાતના ભક્તિસંપ્રદાયના પ્રભાવને સૂફીવાદની અસર સાથે પ્રભાવક રીતે પ્રગટ કરી શક્યા છે.