Tribhuvan Gaurishankar Vyas Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

બાળસાહિત્યના ઉત્તમ કવિ

  • favroite
  • share

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસનો પરિચય

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ગુજરાતી બાળસાહિત્યના ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા છે. પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ; માતાનું નામ જયકુંવર હીરજી. પ્રાથમિક શિક્ષણ મૂળ વતન જૂના સાવરમાં લેવાનું શરૂ કર્યું હતું, જોકે શિક્ષકના ખરાબ સ્વભાવના કારણે મૂળ વતન છોડી દીધું. મામાના ઘરે રહીને પીઠવડીમાં સાતમું ધોરણ પૂરું કર્યું.

ત્રિભુવન વ્યાસ 16 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થતાં, કૌટુંબિક જવાબદારીઓ માથે પડી અને શિક્ષક તરીકે કામગીરી શરૂ કરી. પિતાના વૈદ્ય કામમાં રસ પડતો હતો પરંતુ ધંધાની સમજણ ન હોવાથી શિક્ષણક્ષેત્ર પસંદ કર્યું.

1906થી 1911 ચાર વર્ષ સુધી ગ્રામશાળામાં કામ કર્યું સાથે સાથે સાહિત્ય વાચન-લેખનની પ્રવૃત્તિ કરી. વડોદરાની ટ્રેનિંગ કૉલેજનમાં 1911માં સફળતાપૂર્વક અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન ‘નર્મદા પ્રવાસ’ વિષયક નિબંધ માટે તેમને પુરસ્કાર મળ્યો. આ બાદ તેઓ નવજીવનમાં જોડાયા. આઝાદીના આંદોલનમાં જોડાઈને સ્વેચ્છાએ નોકરી-ત્યાગ અને ખાદી-પ્રચાર કર્યો.

‘નવજીવન’માં છપાયેલા ‘રતનબાનો ગરબો’ એ સૌનું ધ્યાન ખેંચ્યું. આ બાદ ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં સેવા આપી. આ પછી તેઓ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં જોડાયા અને અંતિમ વર્ષોમાં કિશોરસિંહજી તાલુકાશાળાના આચાર્ય તરીકે કામ કર્યું.

કવિતાઓ તેમનો પહેલો પ્રેમ હતી. તેમના સાહિત્ય પરથી સમજાય છે કે તેમના મન પર સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની ઊંડી અસર પડી હતી.

બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમણે તાલબદ્ધ પદ્ય કે ગદ્ય દ્વારા વાચનસામગ્રી તૈયાર કરી છે. ‘નવાં ગીતો’ (ભાગ 1-2, 1925), ‘ગુંજારવ’ (1941) તેમના બાળગીતસંગ્રહો છે. તેમની ‘ખિસકોલી’, ‘ફૂદરડી’ રચના બાળકોને અત્યંત પ્રિય રચના છે. તેમની કવિતાઓ રમતો, પ્રાણીઓ, પંખીઓ, ઋતુઓ, દેશપ્રેમ, કુટુંબ અને કૌટુંબિક સંબંધો, ભગવાન અને પ્રકૃતિની આસપાસ રહી છે. તેમની સુપ્રસિદ્ધ રચનાઓમાં ‘ટ્રેન’, ‘ઘરનો વાઘ’, ‘વીજળી’, ‘સાગર’, ‘ભારતનિશાન’ વગેરેનો સમાવેશ થાય છે.

‘નવાં ગીતો’નો બીજો ભાગ બાલોપયોગી, વર્ણનપ્રધાન અને ભાવપ્રધાન એમ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. ભારતની વાસ્તવિક્તા રજૂ કરતી તેમની કૃતિ ‘વિલાયતી મુસાફર’ છે. જેમાં હિંદુ સ્ત્રી અને વિલાયતી સ્ત્રી વચ્ચે સંવાદ થાય છે. ‘બે દેશગીતો’ (1928) અને ‘નવી ગરબાવળી’(1942)માં લોકબોલીનો પ્રભાવ છે. ‘નવી ગરબાવળી’માં ‘વનરાજનું હાલરડું’ રચના ધ્યાનાકર્ષક છે. આ સિવાય તેમની કેટલીક વાર્તાઓ ‘વસુંધરા’ અને ‘આનંદ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થયેલી. તેમણે ‘મેઘદૂત’ (1937), ‘ઋતુસંહાર’ (1946) વગેરે સંસ્કૃત ખંડકાવ્યોનો પદ્યાનુવાદ કર્યો છે. નિષ્કુળાનંદકૃત ‘ધીરજ આખ્યાન’નું કરેલું ગદ્ય રૂપાંતર પણ રોચક છે.

મોટી ઉંમરના બાળકો પણ માણી શકે તે રીતે એક લોકકથાને ‘ખાનખાનાન’(1946)માં રજૂ કરી છે. એક ખાણિયો અક્કલ-હોશિયારીથી કેવી રીતે ખાનનો સૌથી મોટો ઇલકાબ ધારણ કરનાર વ્યક્તિ બને છે તેની રસપ્રદ કથા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિશે વિસ્તૃત માહિતી આપતો ગ્રંથ ‘સદ્ગુરુચરિત્ર’ (1924)  તેમણે લખ્યો છે. આ ઉપરાંત ‘સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક આલોચના’(1956), ‘સર લાખાજીરાજનાં સંસ્મરણો’ જેવા ગ્રંથો પણ તેમની પાસેથી મળ્યા છે. ‘આવર્તન’ નામનો એમનો કાવ્યગ્રંથ એમની જન્મશતાબ્દી નિમિત્તે સંપાદિત કરાયો હતો. જેમાં મકરન્દ દવે, ઉમાશંકર જોશી અને નાથાલાલ દવેએ પ્રસ્તાવનાઓ લખી છે.