તોરલ મૂળે મેવાડ-રાજસ્થાનમાં હોવાનું કહેવાય છે. તેમનાં લગ્ન સૌરાષ્ટ્રમાં સરલી-સલડી ગામે કે વાંસાવડના સાંસતિયા કાઠી સાથે થયાં. મહાપંથની દીક્ષા લીધેલી. જ્યોત ઉપાસના, પાટપરંપરા અને સાધનાવિધિમાં બંને જતિ-સતી રૂપે જોડાયેલાં રહ્યાં. જનશ્રુતિ અનુસાર, કચ્છનો બહારવટિયો જેસલ જાડેજા ભાભીનાં મહેણાથી તોરી ઘોડી, તોરી તલવાર અને તોરલ નારને ઉપાડી જવા સાંસતિયાને ઘેર આવ્યો હતો. ત્યાં પાટ ભરાયેલો હતો. પ્રસાદ વેળાએ આ ત્રણને ઉપાડી જવાની વાત નીકળી. તેમના જીવનના ઉદ્ધારના આશયથી સાંસતિયા કાઠીએ એ ત્રણેય તેમને સપ્રેમ આપી દીધાં. કચ્છ જતાં દરિયામાં તોફાન જાગતાં તોરલની પ્રેરણાથી જેસલ પોતાના પાપોનો એકરાર કરે છે અને સંતજીવનના માર્ગે વળે છે. તોરલની એક વખતની ગેરહાજરીમાં સમાધિને પામનાર જેસલ, તોરલની આરાધનાથી 3 દિવસ માટે સમાધિમાંથી જાગ્રત થાય છે અને બંને ચોરી-ફેરા ફરીને પછી સમાધિ લે છે એવી લોકકથા છે. જેસલ-તોરલની સમાધિ આજે અંજાર(કચ્છ)માં છે.