Thobhandas Profile & Biography | RekhtaGujarati

થોભણદાસ

પદકવિ. આ કવિની એક કૃતિ ‘કક્કો’ – લેખન ઈ.૧૭૬૯ – મળે છે.

  • favroite
  • share

થોભણદાસનો પરિચય

પદકવિ. આ કવિની એક કૃતિ ‘કક્કો’ – લેખન ઈ.૧૭૬૯ – મળે છે. એ પરથી કવિ ત્યાં સુધીમાં થઈ ગયા હોવાનું કહી શકાય. કારતકથી આરંભી ૧૨ માસના ગોપીના કૃષ્ણવિયોગનું ને પુરુષોત્તમ માસમાં કૃષ્ણ આવતાં એના સંયોગ-આનંદનું ઊર્મિસભર આલેખન કરતાં ને ક્યાંક અનુપ્રાસને ગૂંથતું ૧૩ પદોનું ‘વહાલાજીના મહિના’ તથા કૃષ્ણ અને આહીરણ વચ્ચેના રસિક સંવાદ રૂપે આલેખાયેલું ને ચાટૂક્તિઓમાં જણાતી કવિની નર્મવૃત્તિથી ને મધુરપ્રાસાદિક શૈલીથી નોંધપાત્ર બનતું, ચચ્ચાર પંક્તિઓની ૨૨ કડીઓનું ‘દાણલીલાના સવૈયા/ચબોલા’ કૃષ્ણપ્રીતિસ્મરણની ‘પંદર તિથિઓની ગરબી’, ‘કક્કો’, ‘ચિંતામણિ’, ‘રામચંદ્રનો વિવાહ’ અને ‘હનુમાન-ગરબી’ને સમાવી લેતાં રામકથાનાં પદ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃષ્ણકીર્તનનાં અને વૈરાગ્યભક્તિબોધનાં કવિનાં પદો (કેટલાંક) મળે છે. તેમાં કવચિત યોગમાર્ગી નિરૂપણ પણ થયું છે અને ઘણે સ્થાને કવિનું દૃષ્ટાંતનું બળ દેખાઈ આવે છે. કેટલાંક પદોમાં પ્રસંગનિરૂપણ પણ છે જેમ કે, રામવનવાસ એ કૌશલ્યાવિલાપનું અસરકારક ચિત્રાત્મક નિરૂપણ કરતી ૨ ગરબીઓ તથા રાધાની રીસ અને કૃષ્ણે તેના શૃંગાર સજી આપીને કરેલો તેનો અનુનય એવી ઘટનાનું માધુર્યભર્યું આલેખન કરતાં ‘રાધિકાનો રોષ’ નામક ૩ પદો. કવિને નામે ‘હનુમાન-ગરબી’ નોંધાયેલી છે પરંતુ તેની આધારભૂતતા શંકાસ્પદ લાગે છે.