તેજાનંદ સ્વામીનો જન્મ ઝીંઝુવાડા (તા. દસાડા,જિ. સુરેન્દ્રનગર) ગામે ઈ. સ. 1351માં મેઘવાળ ગુરુબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બીજા મત પ્રમાણે તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના જ ખારાઘોડા પાસેના પાડલા ગામમાં થયેલો માનવામાં આવે છે. પિતા રામદાસઅને માતા લક્ષ્મીબાઈના સાત્ત્વિક સંસ્કારોથી તેમનું ઘડતર થયું. તેમણે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તેમણે 20 વર્ષની વયે ઝીંઝુવાડાથી પશ્ચિમ દિશાએ પંચતીર્થ ડુંગરી પર ઝૂંપડી બાંધી આધ્યાત્મિક સાધના શરૂ કરી હતી. તે સ્થળ ઝીણાનંદ તીર્થ તરીકે ઓળખાય છે. ઈ. સ. 1460માં 109 વર્ષની વયે તેમણેઝીણાનંદ તીર્થ મુકામેદેહત્યાગ કર્યો હતો. તેમની સાહિત્યિક રચનાઓમાં ચોપાઈઓ, દોહરા, પદ-ભજન લોકમાં પ્રચલિત છે. તેમની રચનાઓમાં બાહ્યાડંબરનો વિરોધ, નીતિબોધ, આધ્યાત્મિક માર્ગદર્શન તેમ જ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે.