તેમનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી નજીક આવેલા વાલોડમાં 30 મે, 1921ના રોજ. પ્રાથમિક શિક્ષણ સોનગઢ અને માધ્યમિક શિક્ષણ ગંગાધારા ખાતે. 1938માં નવસારીમાંથી મૅટ્રિક. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ ખાતેથી તેમણે 1943માં બી.એ. અને 1945માં એમ.એ.ની પદવી. તે જ વર્ષમાં તેઓ કરાચીની ડી.જે. સિંધ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને પછી 1947માં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયા. 1951થી 1981માં તેમની નિવૃત્તિ સુધી તેઓ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં લેક્ચરર, પ્રોફેસર અને છેલ્લે ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા.
સોનગઢમાં ગાળેલા પ્રારંભિક સમયની તેમના પર અસર પડી. 8 વર્ષની ઉંમરે છૂપા નામે ‘બાલજીવન’માં કવિતા પ્રગટ થઈ. કૉલેજજીવન દરમિયાન તેમણે ‘ફાલ્ગુની’ સામયિકનું સંપાદનકાર્ય કર્યું. ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘એતદ્’ અને ‘ઉહાપોહ’ સામાયિકોનું સંપાદન કર્યું. 6 સપ્ટેમ્બર, 1986ના રોજ કિડનીની બીમારીથી નડિયાદ ખાતે તેમનું અવસાન. વિશ્વભરના સાહિત્યનો ગહન પરિચય હોવાથી પશ્ચિમનાં ચિંતન અને સાહિત્યની અસર તળે પ્રભાવક લેખનથી ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારી.
સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં 1955 પછી શરૂ થયેલા ગાંધીયુગ પછીના આધુનિક ચેતનાના અગ્રણી હતા. નૂતન અભિવ્યક્તિ, કલ્પન, પુરાકલ્પન, સંદિગ્ધતા, અસંગતતા, પ્રયોગશીલતા, વિદ્રોહનો સૂર, આન્તરચેતનાપ્રવાહ વગેરે આ યુગમાં પ્રગટે છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ કવિતા દ્વારા થયો. પૂર્વે ઉમાશંકર જોશીએ ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’ એ કાવ્યોમાં આધુનિક સમયમાં ભીંસાતા માનવીની વેદનાનો સૂર પ્રગટાવ્યો. કેવળ આ યુગચેતનાને જ કવનવિષય બનાવનાર પહેલા આધુનિક કવિ સુરેશ જોષી છે. તેમણે ‘ઉપજાતિ’ (1956), ‘પ્રત્યંચા’ (1961), ‘ઈતરા’ (1973), ‘તથાપિ’ (1980) નામે કાવ્યસંગ્રહો આપ્યા. ગુજરાતી સાહિત્યના લલિતનિબંધમાં પ્રથમ સ્થિત્યંતર કાકાસાહેબ દ્વારા તો બીજું મહત્ત્વનું સ્થિત્યંતર રચતા સુરેશ જોષી દ્વારા ‘જનાન્તિકે’ (1965), ‘ઇદમ્ સર્વમ્’ (1971), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’ (1975) અને ‘ઇતિ મે મતિ’ (1987) નામે નિબંધસંગ્રહો મળે છે.
અન્ય સ્વરૂપની જેમ વાર્તામાં થયેલા પ્રયોગો પણ ધ્યાનાર્હ છે. લોપ, સન્નિધિકરણ, મનોગત-ચૈતસિક ઘટનાઓ, પુરાણકથાનું વાસ્તવિક ભૂમિ પર આલેખન, કપોળકલ્પિત, કલ્પનાસભર, સંવેગો-આવેગો, માનવમનની ઇચ્છાઓ, નિરાશાઓ, વિચ્છિન્નતાઓ, કલ્પના, જાતીયતાનું પ્રતીકાત્મક આલેખન જેવી બહુવિધ પ્રયુક્તિઓ વાર્તાને વિશિષ્ટતા બક્ષે છે. ‘ગૃહપ્રવેશ’ (1957), ‘બીજી થોડીક’ (1958), ‘અપિ ચ’ (1965), ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (1967), ‘એકદા નૈમિષારણ્યે’ (1980) વાર્તાસંગ્રહો. ‘છિન્નપત્ર’, ‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમ ચારેક લઘુનવલ, જે ‘કથાચતુષ્ટ્ય’ (1984) રૂપે એકસાથે સુલભ થાય છે.
‘કિંચિત્’ (1960), ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (1962), ‘કાવ્યચર્ચા’ (1971), ‘કથોપથન’ (1969) અને ‘શ્રુણ્વન્તુ’ (1972), ‘અરણ્યરુદન’ (1976), ‘ચિન્તયામિ મનસા’ (1982), ‘અષ્ટમોધ્યાય’ (1983), ‘જાનન્તિ યે કિમપિ’ (1984) નામે વિવેચનપુસ્તકો. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (1978) મધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે. ‘નવોન્મેષ’(1971)નું સંપાદન કરેલું છે. ‘નરસિંહની જ્ઞાનગીતા’ (1978), ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ (1981), ‘વસ્તાનાં પદો’ (1983) એમનાં અન્ય સંપાદન. બોદલેર, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ, પાબ્લો નેરુદા વગેરે વિશ્વસાહિત્યના મહત્ત્વના કવિઓના અનુવાદ ‘પરકીયા’(1975)માં છે. રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોલોખૉવની ‘ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન’નો અનુવાદ, દોસ્તોયવ્સ્કીની મહત્ત્વની રચના ‘નોટ્સ ફ્રૉમ ધ અન્ડર ગ્રાઉન્ડ’નો ‘ભોંયતળિયાનો આદમી’ (1967) નામે અનુવાદ. જાપાની કથાઓનો અનુવાદ ‘શિકારી બંદૂક અને હજાર સારસો’ (1975), ‘નવી શૈલીની નવલિકા’(1960)નો અનુવાદ, રે.બી. વેસ્ટકૃત ‘ધ શૉર્ટ સ્ટોરી ઇન અમેરિકા’નો અનુવાદ ‘અમેરિકી ટૂંકી વાર્તા’ (1967) નામે, માર્કસ કન્લીફકૃત ‘ધ લિટરેચર ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ’નો અનુવાદ ‘અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ’ (1965) નામે. રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત’ (1949) અને ‘સંચય’(1963)માં મળે છે.
1965માં ‘જનાન્તિકે’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, 1971માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1983માં ‘ચિન્તયામિ મનસા’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, જેનો અસ્વીકાર કર્યો.