Suresh Dalal Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુરેશ દલાલ

કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક અને બાળસાહિત્યકાર

  • favroite
  • share

સુરેશ દલાલનો પરિચય

  • ઉપનામ - અરવિંદ મુનશી, કિરાત વકીલ, તુષાર પટેલ, રથિત શાહ
  • જન્મ -
    11 ઑક્ટોબર 1932
  • અવસાન -
    10 ઑગસ્ટ 2012

જન્મ 11 ઑક્ટોબર 1932ના રોજ મહારાષ્ટ્રના થાણામાં. 1949માં મેટ્રિક, 1953માં ગુજરાતી વિષય સાથે બી.એ., 1955માં એમ.એ., 1969માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્ય : છ આધુનિક કવિઓના વિવેચનાત્મક અભ્યાસ સાથે’ એ વિષય સાથે પીએચ.ડી. થયા. 1956માં મુંબઈની કે.સી. સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યાર બાદ 1960થી 1964 સુધી એચ.આર. કૉલેજ ઑવ્ કૉમર્સમાં, 1964થી 1973 સુધી કે.જે. સોમૈયા કૉલેજમાં, અને એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કવિતા’ માસિકના સંપાદક. તેમની એક સાપ્તાહિક કટાર ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં વર્ષો સુધી પ્રગટ થઈ. 10 ઑગસ્ટ 2012ના રોજ કવિતાના આકંઠ અનુરાગી, કવિતાના હરતાફરતા વિશ્વવિદ્યાલય સમા સુરેશ દલાલનો દેહવિલય થયો.

કવિ તરીકે તેમણે 1950 આસપાસ પદાર્પણ કર્યું. એ સમયગાળો ગુજરાતી સાહિત્યમાં સૌન્દર્યલક્ષી કવિતાના વધતા જતા મહિમાનો હતો. તેમણે મીરાંને કેન્દ્રસ્થ રાખી કાવ્યો રચ્યાં. થોડાંક સૉનેટ, ગઝલ નહિવત્ તો આજન્મ મુંબઈનિવાસી અને મુંબઈગરા સુરેશ દલાલે મહાનગર મુંબઈ સાથેના પોતાના ગાઢ અનુબંધને ગદ્યકાવ્યો દ્વારા ઘણા તારસ્વરે, મુખરતાથી વ્યક્ત કર્યો છે. 1966થી 1987ના બે દાયકામાં તેમણે 18 કાવ્યસંગ્રહો આપ્યા. ‘એકાન્ત’, ‘તારીખનું ઘર’, ‘અસ્તિત્વ, નામ લખી દઉં’, ‘હસ્તાક્ષર’, ‘સિમ્ફની’, ‘રોમાંચ’, ‘સાતત્ય’, ‘પિરામિડ’, ‘રિયાઝ’, ‘વિસંગતિ’, ‘સ્કાઇસ્ક્રેપર’, ‘ઘરઝુરાપો’, ‘એક અનામી નદી’, ‘ઘટના’, ‘રાધા શોધે મોરપિચ્છ’, ‘કોઈ રસ્તાની ધારે ધારે’, ‘પવનના અશ્વ’, વગેરે કાવ્યસંગ્રહ. ‘ઇટ્ટા-કિટ્ટા’, ‘ધીંગામસ્તી’, ‘અલકચલાણું’, ‘ટિંગાટોળી’, ‘ભિલ્લું, છાકમ છલ્લો’, ‘બિન્દાસ’, વગેરે બાળકાવ્યસંગ્રહ. ‘પિનકુશન’ નામે એકમાત્ર વાર્તાસંગ્રહ ઉપરાંત, કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. ‘મારી બારીએથી’ ભાગ–2, ‘સમી સાંજના શમિયાણામાં’, ‘ભૂરા આકાશની આશા’, ‘મોજાંને ચીંધવાં સહેલાં નથી’, ‘અમને તડકો આપો’ આદિ નિબંધસંગ્રહો. ‘અપેક્ષા’, ‘પ્રક્રિયા’, ‘સમાગમ’, ‘ઇમ્પ્રેશન્સ’, ‘કવિપરિચય’, ‘કવિતાની બારીએથી’, વગેરે વિવેચનો. ‘કાન્ત વિષયક ઉપહાર’, ‘ઉમાશંકર વિષયક કવિનો શબ્દ’, ‘સુન્દરમ્‌વિષયક તપોવન’, ‘વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક સહવાસ’, ‘જયંત પાઠક વિષયક વગડાનો શ્વાસ’, ‘મકરંદ દવે વિષયક અમલપિયાલી’ આદિ સંપાદન. નેથૅનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ‘ચાંદનીની લૂ’, ‘મરાઠી કવિતા’, ‘ત્રિરાત’ આદિ અનુવાદ. મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં.

તેમના સાહિત્યિક પ્રદાનને રણજિતરામ સુવર્ણચંદ્રક, કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક, આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર વડે નવાજવામાં આવ્યું છે.