ગાંધીયુગના મહત્ત્વના કવિ-વિવેચક
તેઓ ગુજરાતી ભાષાના નામાંકિત કવિ અને વિવેચક હતા. તેમનો જન્મ બેટ દ્વારકામાં થયો હતો. તેમણે 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી–ગુજરાતી સાથે બી.એ.ની પદવી હાંસિલ કરી હતી. 1932માં તેમણે એલ.એલ.બી. અને 1936માં ગુજરાતી–સંસ્કૃત સાથે એમ.એ.ની પદવીઓ હાંસિલ કરી હતી.
પ્રારંભનાં કેટલાંક વર્ષ ‘હિંદુસ્તાન અને પ્રજામિત્ર’માં ઉપતંત્રી રહ્યા. ત્યાર પછી મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ડિયન પી.ઇ.એન.ના સભ્ય હતા અને તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
‘જ્યોતિરેખા’ (1934), ‘ઇન્દ્રધનુ’ (1939), ‘વિશેષાંજલિ’ (1952), ‘સદ્ગત ચન્દ્રશીલાને’ (1959), ‘તુલસીદલ’ (1961), ‘વ્યંજના’ (1969), ‘અનુવ્યંજના’ (1974), ‘શિશિરે વસંત’ (1976), અને ‘શ્રાવણી ઝરમર’ (1982) તેમના કાવ્યગ્રંથો છે.
‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (1935), ‘સુવર્ણમેઘ’ (1964), અને ‘આમોદ’ (1978) તેમના વિવેચનસંગ્રહો છે. ‘નરસિંહરાવ’ (1980) ચરિત્રપુસ્તિકા છે.
‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’, ‘સાહિત્યસુષમા’ એ શાળોપયોગી સંપાદનો છે.
તેમણે થૉરોના ‘વૉલ્ડન’નો, ભગવદ્ગીતાનો, તથા મહાભારતનાં છેલ્લાં 4 પર્વોનો અનુવાદ પણ આપ્યો છે.
‘જ્યોતિરેખા’માં બેટાઈએ પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત 5 ખંડકાવ્યો આપ્યાં છે. તેમના સાહિત્યસર્જન વિશે વીણા શેઠ લખે છે કે, “અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ, સ્વજનમૃત્યુથી જન્મતો શોક એમની કવિતાના મુખ્ય વિષયો છે. બેટાઈની વિશિષ્ટતા સંસ્કૃત-પ્રચુર શબ્દો અને અનુષ્ટુપ છંદના વિનિયોગની છે. ‘બંદર છો દૂર છે’, ‘મારી વાડીમાં ચંપો મ્હોરિયો રે’, ‘પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી’ જેવી તેમની ગેય રચનાઓ જાણીતી છે. વિષાદને પ્રસાદ માનનારા આ કવિ સંવેદનને વિશાળ ફલક પર મૂકી આત્મલક્ષી કવિતાની અનુભૂતિને પણ પરલક્ષિતાના સીમાડા સુધી વિસ્તારવાની કલાગતિ દાખવે છે.”