સુન્દરમ્
ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક.
- 1908-1991
- મિયાં માતર
સુન્દરમ્નો પરિચય
- મૂળ નામ - ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
- ઉપનામ - સુન્દરમ્
-
જન્મ -22 માર્ચ 1908
-
અવસાન -13 જાન્યુઆરી 1991
તેમનો જન્મ ભરૂચ જિલ્લના આમોદ તાલુકાના મિંયામાતર ગામમાં, પુરુષોત્તમદાસ કેશવદાસ લુહાર તથા ઊજમબેનને ત્યાં થયો હતો. તેમનું જન્મનું નામ ત્રિભુવનદાસ હતું, પણ સાહિત્યકાર તરીકે તેઓ સુંદરમ્થી વધુ પ્રખ્યાત થયા હતા. તેમના વતન મિયાંમાતરમાં તેમણે ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1925–27માં ‘વિનીત’ થઈ તેઓ અમદાવાદ વિદ્યાપીઠમાં આવ્યા. 1929માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે ‘ભાષાવિશારદ’ સાથે સ્નાતક થયા. ત્યાર બાદ તેમણે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કાર્ય કર્યું. 1935થી 1945 સુધી તેમણે અમદાવાદની સ્ત્રીસંસ્થા ‘જ્યોતિસંઘ’માં કાર્યકર્તા તરીકે કામ કર્યું. 1945થી તેમણે શ્રી અરવિંદના પોંડિચેરીસ્થિત આશ્રમમાં સહકુટુંબ નિવાસ કર્યો. ત્યાર બાદ 1967થી તેઓ શ્રી અરવિંદપ્રેરિત ઓમપુરીની નગરરચનામાં કાર્યરત રહ્યા.
ગાંધીપ્રેરિત સામાજિક પ્રતિબદ્ધતા તથા શ્રી અરવિંદપ્રેરિત આધ્યાત્મિક મમત વચ્ચે સુન્દરમ્ના સમગ્ર જીવન-કવનનો ક્યાસ રહ્યો છે.
ગાંધીજીનિર્મિત વિદ્યાપીઠમાં જ તેમની કાવ્યવૃત્તિને આગવું બળ મળ્યું હતું. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં લેખ માટે તેમને ‘તારાગૌરી ચંદ્રક’ પણ એનાયત થયો હતો, તથા તે જ સામયિકમાં ‘એકાંશ દે’ કવિતા ‘મરીચિ’ ઉપનામથી પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ તે જ સામયિકમાં 1929માં તેમનું કાવ્ય ‘બારડોલી’ પ્રકાશિત થયું હતું, આ ઉપનામ પાછળથી તેમની આગવી ઓળખ બની ગયું હતું. 1930માં તેમની મૈત્રી ગાંધીયુગના એક સીમાચિહ્નરૂપ કવિ ઉમાશંકર જોશી સાથે થઈ અને તેઓ બંને ‘સારસ્વત સહોદર’ તરીખે ઓળખાયા. ગાંધીજીપ્રેરિત સ્વાતંત્ર્ય લડતમાં જોડાઈને તેનાથી પ્રેરાઈને તેમણે ‘બુદ્ધનાં ચક્ષુ’ કાવ્ય લખ્યું, જેણે સુંદરમ્ને કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા. 1933માં તેમનાં 2 કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા : ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ તથા ‘કાવ્યમંગલા’. ‘કોયાભગત…’માં ગાંધીસૈનિક તરીકે તેમની સમાજિક પ્રતિબદ્ધતા, પતિતોદ્ધારણ પ્રત્યેની તેમની ગરજ અને આક્રોશ દેખાય છે તો ‘કાવ્યમંગલા’માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો, તથા ગીતો છે. તેમનાં અન્ય કાવ્યસંગ્રહો ‘વસુધા’(1939), ‘યાત્રા’ (1951) છે. તેમનાં બાળકાવ્યોનો સંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં’ 1939માં પ્રગટ થયો હતો, જેમાં ગાંધીયુગની પ્રયોગશીલતા વ્યક્ત થઈ હતી. ‘વરદા’ (1990, 1998 બી.આ.), ‘મુદિતા’ (1996), ‘ઉત્કંઠા’ (1992), ‘અનાગતા’ (1993), ‘લોકલીલા’ (1995, 2000 બી.આ.), ‘ઈશ’ (1995), ‘પલ્લવિતા’ (1995), ‘મહાનદ’ (1995), ‘પ્રભુપદ’ (1997), ‘અગમનિગમા’ (1997), ‘પ્રિયાંકા’ (1997), ‘નિત્યશ્લોક’ (1997), ‘નયા પૈસા’ (1998), ‘ચક્રદૂત’ (1999), ‘દક્ષિણા’ (ભાગ 1–2, 2002), ‘મનની મર્મર’ (2003), ‘ધ્રુવયાત્રા’ (2003), ‘ધ્રુવચિત્ત’ (2004), ‘ધ્રુવપદે’ (2004), ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ ભા. 1, 2 અને 3 (2005, 2006), ‘મંગળા-માંગલિકા’ (2007) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.
સુંદરમ્ એક ઊંચા ગજાના વાર્તાકાર પણ હતા. તેમની ટૂંકીવાર્તાઓએ ગુજરાતી ગદ્યમાં પોતાની આગવી છાપ પાડી છે. ગાંધીવાદની સાથે પ્રગતિવાદ, ગ્રામચેતના સાથે નગરચેતના, જાતીયની સાથે સાથે સૌંદર્યનિષ્ઠ નિરૂપણો તેમની વાર્તાઓની ખૂબી છે. તેમના વાર્તાસંગ્રહ ‘હીરાકણી અને બીજી વાતો’ (1938)માં ‘લુટારા’, ‘ગોપી’, ‘પૂનમડી’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’, અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. આ ઉપરાંત તેમના અન્ય વાર્તાસંગ્રહો, ‘ખોલકી અને નાગરિકા’ (1939), ‘ઉન્નયન’ (1945), ‘તારિણી’ (1978) મળે છે. જેમાં વાર્તા પર હથોટી જોવા મળે છે.
સુંદરમ્ એક અત્યંત સજાગ અને તટસ્થ વિવેચક પણ હતા. ‘અર્વાચીન કવિતા’ (1946) તેમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. તેમણે એમણે દલપત–નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા 350 જેટલા કવિઓની 1,225 જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, તેમના વિશે મૌલિક વિવેચના કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી આપણને ગ્રંથાવલોકનોનો સંગ્રહ ‘અવલોકના’ (1965) મળે છે. તેમના મૌલિક વિચારોને રજૂ કરતા સંગ્રહો ‘સાહિત્યચિંતન’ (1978) તથા ‘સમર્ચના’ (1978) છે.
‘વાસંતી પૂર્ણિમા’ (1977) તેમની નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. તેમાં અંતે બે અનૂદિત નાટ્યકૃતિઓનો પણ સમાવેશ છે.
‘પાવકના પંથે’ (1978)માં કેટલુંક આત્મવૃત્તાંતીય ગદ્ય છે. ‘દક્ષિણાયન’ (1941)માં તેમના દક્ષિણ ભારતના પ્રવાસનું વર્ણન છે. ‘ચિદંબરા’ (1968)માં તેમનું પ્રકીર્ણ ગદ્ય સમાવિષ્ટ છે, તથા ‘શ્રી અરવિંદ મહાયોગી’ (1950) એ જીવનચરિત્ર તેમણે લખ્યું છે.
ગોવિંદ સ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, 1948) એમનું સહસંપાદન છે.
‘ભગવજ્જુકીય’ (1940), ‘મૃચ્છકટિક’ (1944), ‘અરવિંદ મહર્ષિ’ (1943), ‘અરવિંદના ચાર પત્રો’ (1946), ‘માતાજીનાં નાટકો’ (1951), ‘સાવિત્રી’ (1956), ‘કાયાપલટ’ (1961), ‘પત્રાવલિ’ (1964), ‘સુંદર કથાઓ’ (1964), ‘જનતા અને જન’ (1965), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (1967), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (1969), ‘ઐસી હૈ જિંદગી’ (1974), વગેરે એમણે કરેલા અનુવાદો છે.
આવા વિશાળ સાહિત્યપ્રદાન ઉપરાંત તેઓ અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા હતા. બુધસભા, મિજલસ, લેખકમિલન જેવી સંસ્થાઓમાં વિવિધ ભૂમિકામાં કાર્યરત હતા. 1954માં તેમણે અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો હતો. 1987માં દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ પામેલા. 1967માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત; 1974માં વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી અરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અંતર્ગત; અને 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં શ્રી અરવિંદ વિશે તેમણે વ્યાખ્યાનો આપેલાં.
1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના અને 1969માં જૂનાગઢમાં સમગ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ‘કાવ્યમંગલા’ નિમિત્તે 1934માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1946માં ‘અર્વાચીન કવિતા’ માટે મહીડા પારિતોષિક, ‘યાત્રા’ માટે 1955માં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1969માં ‘અવલોકના’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળેલું. 1985માં તેમને ભારતનો ત્રીજો સૌથી નામાંકિત ‘પદ્મભૂષણ’ એવૉર્ડ એનાયત થયેલો. 1990માં ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ દ્વારા ગુજરાત સરકારે તેમનું યથોચિત સન્માન કર્યું હતું.