Sudhir Desai Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુધીર દેસાઈ

કવિ, નિબંધકાર, બાલસાહિત્યકાર, વિવેચક, સંપાદક અને અનુવાદક

  • favroite
  • share

સુધીર દેસાઈનો પરિચય

15 ફેબ્રુઆરી, 1934માં આણંદ જિલ્લાના પેટલાદમાં જન્મેલા અને પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની એવા આ સર્જકે પોતાનું શિક્ષણ વડોદરા અને મુંબઈમાં મેળવ્યું. વિજ્ઞાનપ્રવાહમાં સ્નાતક થયા પછી એલ.એલ.બી.ની ડિગ્રી તથા વિનયનમાં ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની ડિગ્રી તેમજ જૈફ વયે ‘ધ કન્સેપ્ટ ઑફ ડેસ્ટીની ઇન એન્સિયન્ટ ઇન્ડિયા' વિષય પર અંગ્રેજીમાં સંશોધન કરી ભારતીય વિદ્યાભવન-મુંબઈમાંથી 2012માં પીએચ.ડી.ની પદવી મેળવી.

તેમની પાસેથી ‘આકાંક્ષા’ (1961), ‘લોહીને કિનારે ઊગેલ વડ’ (1974), ‘કાગળ પર તિરાડો’ (1979), ‘સૂર્યને તરતો મૂકું છું’ (1980), ‘એક આકાશમાંથી બીજા આકાશમાં (1991) આદિ કાવ્યસંગ્રહ, ‘સોવિયેટ કવિતાનાં સીમાચિહ્નો' (1980) જેવો વિવેચનસંગ્રહ, ‘ગપ્પાગાડી' (1981) અને ‘ઘૂઘરિયાળો બાવો' (1989) જેવા બાળકાવ્યસંચય, ‘મનના ગોકુળિયામાં' (1981), ‘મન મહેરામણ’ (1995), ‘મબલખ આનંદ’ (2002), ‘મબલખનો મેળો’ (2002), ‘મબલખની મોજ’ (2003), ‘મબલખની સાથે સાથે’ (2004), ‘મબલખ ખજાનો' (2004), ‘મબલખ વૈભવ' (2004), ‘મબલખ મબલખ’ (2004), ‘મબલખને કિનારે’ (2008), ‘મબલખ સુગંધ’ (2008) જેવા નિબંધસંગ્રહ, ‘સાહિત્ય દિવાકર નરસિંહરાવ' (અન્ય સાથે 1985) નામે સંપાદન, ‘કાશ્મીરની શૈવ પરંપરા’ (1998) નામે ધર્મચિંતનાત્મક પુસ્તક અને ‘મહાપ્રભુ વલ્લભાચાર્ય', ‘પ્રેમચંદજી' (1901) ‘માયાકોવસ્કીનાં કાવ્યો’ (1979), ‘કાગળ અને કેન્વાસ’ (1980) નામે અનુવાદ મળે છે.

તેમના ‘સૂર્યને તરતો મૂકું છું’ નામક કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, ‘માયકોવ્સ્કીનાં કાવ્યો’ અનુવાદને સોવિયેતલેન્ડ નહેરુ પારિતોષિક, ‘મબલખનો મેળો' અને ‘મબલખની સાથે સાથે’ નિબંધસંગ્રહોને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિકો એમ વિવિધ સાહિત્યિક સંસ્થાઓનાં પુરસ્કાર – પારિતોષિકો એનાયત થયાં છે.